કોડીનારમાં શિયા-સુન્ની જૂથ અથડામણ : તંગદીલી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નજીવી બાબતના મનદુ:ખે વરવું સ્વરૂપ ધારણ કર્યું : બપોરની નમાઝ બાદ સામ સામે આવી ગયા : નવ ઘાયલકોડીનાર શહેરમાં આજે બપોરની નમાઝ બાદ શિયા અને સુન્ની મુસ્લિમોનાં બે જૂથો સામસામા આવી જતાં પથ્થરમારો અને સોડા બોટલોનાં ઘા થયા હતા. આ ઘટનામાં ૯ લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. બનાવને પગલે વાતાવરણમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતીને કાબૂમાં લેવા વેરાવળથી ડીવાયએસપી કોડીનાર દોડી ગયા હતા. અને આસપાસનાં તાલુકામાંથી કુમક બોલાવી પોલીસનાં ધાડેધાડાં ઉતારી દેવાયા હતા.કોડીનારની જલારામ સોસાયટીમાં યોજાયેલા એક લગ્નપ્રસંગે અવેશ નામનો યુવાન ગયો હતો. એ જ લગ્નપ્રસંગમાં આવેલા અયાન નામનાં યુવાન સાથે અવેશને શાબ્દિક ટપાટપી થઇ હતી. આ વાતનાં મનદુ:ખમાં આજે બપોરે બારેક વાગ્યાનાં અરસામાં અવેશ એક પાનની દુકાને બેઠો હતો ત્યારે અયાન ત્યાં આવી ચઢયો હતો. અને છરી બતાવી અવેશને ધમકી આપતો હતો. એ જ વખતે અયાનનાં પિતા જીયા ત્યાં આવી જતાં તેમણે અયાન પાસેથી છરી લઇ અવેશનાં માથામાં મારી દીધી હતી. સાથોસાથ અયાને પણ પંચ લઇને અવેશને માર્યો હતો.આથી તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. દરમ્યાન અવેશનો મોટોભાઇ અને કોડીનાર નગરપાલિકાનાં ઉપપ્રમુખ સાજીદબાપુ ભીખુમિયાં કાદરી સહિ‌તનાં લોકો બુખારી મહોલ્લામાં સમજાવટ માટે ગયા હતા. એ વખતે શુક્રવારની નમાઝ પઢી બહાર આવેલા લોકોને આ વાતની જાણ થઇ હતી. આથી મામલો તંગ બન્યો હતો. અને સામસામે પથ્થરમારો થયો હતો. સાથે સોડાબોટલો પણ ઉડી હતી.જેમાં એજાઝબાપુ હુસેનબાપુ કાદરી (ઉ.૩૨), અલ્લારખા અબદેરેમાન કટારીયા (ઉ. ૬પ), એશાન કાદરબાપુ કાદરી (ઉ. ૨૦)ને ગંભીર ઇજા થતાં સઘન સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. જ્યારે સાજીદ ભીખુમિયાં કાદરી (ઉ. ૩૨), અનિલ ગુલામ મહંમદ કાદરી (ઉ. ૨૮) અને અવેશ રજુબાપુ કાદરી (ઉ. ૨૨) ને ઇજાઓ થઇ છે. જયારે સામાપક્ષે બુખારી સમાજમાંથી આ અથડામણમાં ઈજા પામેલ અબ્બાસ તકી જીયા અહેમદ (ઉ.વ.૨૦), મુનવર હુસેન હૈદર (ઉ.વ.૨૧), અને કનીજે મુસ્લિમ નાસીર હુસેન (ઉ.વ.૪પ)ને પણ સારવારમાં ખસેડાયા છે.જો કે, ઇજાગ્રસ્ત જૂથનાં લોકો ઉશ્કેરાતાં તેઓએ છમકલાં કરવાનું ચાલુ રાખ્યું હતું. આથી પોલીસે ઉચ્ચકક્ષાએ જાણ કરતાં વેરાવળ ડીવાયએસપી શર્માને કોડીનાર દોડાવાયા હતા. તો આસપાસનાં ઊના, વેરાવળ અને સૂત્રાપાડાથી પોલીસ કુમકો પણ મોકલી અપાઇ હતી. દરમ્યાન કોડીનારમાં અજંપાભરી શાંતિ છવાયેલી છે. બુખારી મહોલ્લો અને કાદરી મહોલ્લો પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયા છે. તંગદિલીને પગલે બજારો ટપોટપ બંધ થઇ ગઇ હતી. બંને પક્ષોનાં નિવેદનો લઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.સાંજે ફરી પથ્થરમારોપોલીસે સ્થિતી પર કાબૂ મેળવ્યો. પરંતુ ત્યારપછી ફરી સાંજે ૪ વાગ્યે ટોળાંએ પથ્થરમારો કર્યો હતો.પોલીસ પર પણ હુમલોઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ઉપર પણ શરૂઆતમાં પથ્થરમારો થયો હતો. જોકે, બાદમાં મામલો શાંત પડયો હતો.અગાશી પરથી પથ્થરમારો થયો : શાંતિનાં પ્રયાસો જારીકાદરી મહોલ્લા અને બુખારી મહોલ્લામાં ઉશ્કેરાયેલા લોકોએ અગાશીઓ પર ચઢી સામસામો પથ્થરમારો કર્યો હતો. બનાવને પગલે જૂનાગઢ જિ.પં.નાં સુરસિંહ મોરી, જિલ્લા મુસ્લિમ સમાજનાં ફારૂક મૌલાના સહિ‌તનાં મુસ્લિમ આગેવાનો દોડી ગયા હતા. કોડીનારનાં ટેસ્ટી નગર, મેમણ કોલોની, બુખારી મહોલ્લા, કાદરી મહોલ્લામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.