માંગરોળના દરિયામાં સ્ટીમરની ટક્કરથી ફીશિંગ બોટ ડૂબી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છ ખલાસીઓનો બચાવ, એક સાગર ખેડૂ લાપતા - ૫૪ નોટિકલ માઈલ દૂર સર્જાયો અકસ્માત : બોટના કટકા થઈ ગયા માંગરોળનાં દરિયાકાંઠેથી ૫૪ નોટીકલ માઈલ દૂર સમુદ્રમાં શનિવારે મધરાતે પૂરઝડપે આવી રહેલી અજાણી સ્ટીમરે ટક્કર મારતા ફિશિંગબોટ ડૂબી ગઈ હતી. બોટની જળસમાધી બાદ એક ટંડેલ સહિત છ ખલાસીઓને અન્ય બોટોએ બચાવી લીધા હતા જ્યારે એક માછીમાર લાપતા થયો છે. અકસ્માત સર્જનાર સ્ટીમર કઈ તરફથી આવી હતી અને ક્યાંની છે ? તે અંગે હજુ કોઈ વિગત મળી નથી. માંગરોળનાં ખ્યાતનામ ફશિ એક્ષપોર્ટર આર.કે. કંપનીની ‘ધનરાજપ્ત બોટ (જી.જે.૧૧-એમ.એમ.-૦૦૫૧૩) ગત તા. ૧૧નાં રોજ ફિશિંગ માટે રવાના થઈ હતી. એકાદ-બે દિવસમાં જ પરત ફરનારી આ બોટ ૫૪ નોટીકલ માઈલ દૂર સમુદ્રમાં લંગર નાંખી ફિશિંગ કરી રહી હતી તે સમયે અચાનક રાત્રીનાં ૧૧:૩૦ વાગ્યે પૂરઝડપે આવેલી સ્ટીમરે બોટને જોરદાર ટક્કર મારી હતી. સ્ટીમરની ઝડપ પર કંટ્રોલ ન થતા તે બોટ માથે ચઢી ગઈ હતી. આ સમયે ઉંધી રહેલા ખલાસીઓ સફાળા જાગી ગયા હતા અને તેઓ કાંઈ સમજે તે પહેલા જ બોટનાં કટકા થઈ જતાં ડૂબવા લાગી હતી.દરમિયાન આજુબાજુનાં અડધાથી એક નોટિકલ માઈલના અંતરમાં ફિશિંગ કરી રહેલી આજ કંપનીની અન્ય બે બોટોને બનાવની જાણ થતા ખલાસીઓની મદદે પહોંચી ગયા હતા. જ્યાં ડૂબી રહેલા વલસાડ જિલ્લાનાં ટંડેલ ઉત્તમ લલ્લુ તેમજ ખલાસીઓ જાના ભાદીયા, રાજેશ ધાનીયા, જીતુ સકુ, દિલીપ લલ્લુ તથા અમૃત રવિયાને રાત્રીનાં અંધકારમાં બે-ત્રણ કલાકની જહેમત બાદ બચાવી લેવાયા હતા. જ્યારે એક માછીમાર સમુદ્રનાં ઊંડા પાણીમાં લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. - એક માછીમાર ફાયબરનો ગોળો પકડી સવાર સુધી તરતો રહ્યો અકસ્માત બાદ ડૂબી રહેલા એક માછીમારનાં હાથમાં ફાયબરનો ગોળો આવી જતા તે સવાર સુધી તરતો રહ્યો હતો. પાંચ -છ કલાકનાં જીંદગી અને મોત વચ્ચેનાં સંઘર્ષમાં તે જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. - ઈજાગ્રસ્ત ખલાસીઓને અન્ય બોટમાં કાંઠે લવાયા ટંડેલને પેટમાં ગંભીર ઈજા અને નાની-મોટી ઈજાઓ સાથે ઘવાયેલા ખલાસીઓને અન્ય બોટ મારફત માંગરોળ પરત લાવવામાં આવી રહ્યા છે તેઓ રાત સુધીમાં અત્રે આવી પહોંચશે. મધરાતે દરીયામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બોટની જળસમાધિથી ૪૦ થી ૪૫ લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.