ધાડપાડુ ગેંગ ઝબ્બે: તાજિયા ગેંગ સાથે ઘરોબો, ૩૭ જેટલી ચીલઝડપ કરી હતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજકોટ, જૂનાગઢમાં ૩૭ જેટલી ચીલઝડપ કરી હતી : પોરબંદર-માધવપુર હાઈવે પરથી એલસીબીએ ગેંગને ઝડપી લીધી પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે પોરબંદર-માધવપુર હાઈવે પરથી ધાડપાડુ ગેન્ગને ઝડપી લીધી હતી. રેન્જ આઈ.જી. તથા એસ.પી. ની સુચના મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા પોરબંદર પોલીસ દ્વારા હાલ સઘન પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. તે દરમિયાન આજે આ ગેંગ હાથમાં આવી છે. પોરબંદર-માધવપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલા પાંચ શખ્સોની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આ પાંચેય શખ્સો મોટી ધાડ પાડવાના મુડમાં હથિયારો અને વાહનો સાથે ઉભા હોય, મોટી લૂંટ કરીને નાસી જવાના પ્લાનિંગ સાથે આ ટોળકીએ જીલ્લામાં પ્રવેશ કર્યો હતો. આ ટોળકીના છ શખ્સો પૈકી એક નાસી જવામાં સફળ રહ્યો હતો અને પાંચમાંથી ત્રણ કુખ્યાત તાજિયા ગેંગ સાથે ઘરોબો રાખતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ગત રાત્રે ઈમરાન ઉર્ફે બાપુ અમીરમીંયા બુખારી, બીપીન ઉફeે ઘુઘો શંકરભાઈ ગોહેલ, શાહિદ ઉર્ફે ભુરીયો ઈકબાલભાઈ શેખ, લખમણ ગગુભાઈ ઓડેદરા, ભરત દેવા વાઢેર અને વસીમ આમદભાઈ સુમરા નામના છ શખ્સો હાઈવે ઉપર પસાર થતા મુસાફરોને ધાડ પાડીને લુંટી લેવાની પેરવીમાં હતા. દરમિયાન પેટ્રોલીંગમાં નીકળેલા પોરબંદર એલ.સી.બી. ના સ્ટાફને જોઈને આ છએય શખ્સોએ ભાગી છુટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તેમને દબોચીને ઉલટ તપાસ કરી તેમના કબ્જામાંથી બે છરી, બે હોન્ડા કિંમત રૂ. ૬૫ હજાર અને ત્રણ સોનાના ચેઈન કિંમત રૂ. ૭૨,૩૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ સહિતના જીલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ, ચોરી, ધાડ પાડવા અને હથિયારધારા સહિતના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા આ શખ્સોને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એમ.કે. રાણાએ ઝડપી લીધા હતા. ઝડપાયેલા પાંચ આરોપીની મોડસ ઓપરેન્ડી સાંજના સમયે વાહનમાં નીકળીને મહિલાઓની ડોકમાંથી ચીલઝડપ કરવાની હતી અને અત્યાર સુધીમાં આ ટોળકીએ રાજકોટ અને જૂનાગઢ જીલ્લામાંથી કુલ ૩૭ જેટલી ચીલઝડપ કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા પાંચેય પોપટની જેમ પોલીસ પાસે કબુલ કરતા હતા કે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતના અલગ-અલગ વિસ્તારોમાં સમી સાંજે હિરો હોન્ડા લઈને બે જણા મહિલાઓને જ ટાર્ગેટ બનાવીને નીકળતા હતા. એકાંત અને અવાવરૂ જગ્યામાંથી સોનાના દાગીના પહેરેલી સ્ત્રીઓના દાગીનાઓની ચીલઝડપ કરતા હતા અને નંબર પ્લેટ ન દેખાય તે માટે રૂમાલથી ઢાંકી દેવામાં આવતી હતી. આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ રાજકોટમાં અલગ-અલગ સોનીઓને વહેંચ્યો હોવાની પણ પોલીસને કબુલાત આપી હતી. પોલીસે આજે આ પાંચેય ધાડપાડુ ટોળકીના સભ્યોને પોલીસ રીમાન્ડ સાથે રજુ કર્યા હતા. કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ચીલઝડપ કરનારી ગેન્ગને ઝડપી લેવા બદલ એસ.પી. દપિન ભદ્રને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.કે. રાણા તથા તેમના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. - જૂનાગઢનો સોની વેપારી બચી ગયો !! પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તાજિયા ગેન્ગ સાથે ઘરોબો રાખતી ટોળકીના છ શખ્સો પૈકી પાંચને ગત મોડી રાત્રે ઝડપી લીધા હતા. તેની પુછપરછ દરમિયાન તાજિયા ગેન્ગના સાગરીતે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, જો અમે આજે અહીં ઝડપાયા ન હોત તો જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલી સ્વિસ્તક સોનીની દુકાન તોડીને મોટો દલ્લો મારવાનો પ્લાન હતો. અને અહીંથી અન્ય પ્રાન્તમાં જઈને આ માલ વેચી નાખવાના હતા.