સીંગસરનો તલાટી લાંચ લેતા ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-એકલા આવવાનો આગ્રહ કર્યો’તો તલાટીએ સુત્રાપાડાનાં સીંગસર ગામનાં તલાટીએ જમીનનાં ૭/૧૨નાં દાખલામાં ટુકડા તરીકેની નોંધ રદ કરવા માટે સારો અભિપ્રાય આપવા અને પાક ધીરાણ હોવાનું જણાવવા માટે રૂ.૭ હજારની લાંચ માંગી હતી. આ અંગે ખેતર માલિકે એસીબીને જાણ કરી છટકું ગોઠવ્યુ હતું. જેમાં તલાટી સપડાઇ જતા ભારે ચકચાર જાગી છે. આ અંગે મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામનાં અલીમહમદભાઇ ઇકબાલભાઇ પટણીનાં પિતાની ગામની સીમમાં આવેલી જમીનનાં ૭/૧૨ નાં દાખલામાં ટુકડાની નોંધ થઇ હતી. જેને કારણે આવી નોંધ વાળી જમીન વેંચવા માટે પરેશાની થતી હોય છે. જેથી અલીમહમદભાઇએ પોતાનાં પિતાની જમીનમાં થયેલી ટુકડાની નોંધ દૂર કરવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ નોંધ યોગ્ય છે કે નહીં? તે જાણવા માટે મામલતદાર કચેરી સ્થાનિક તલાટીનો અભિપ્રાય માંગતી હોય છે. આ બાબતની જાણ અલીમહમદભાઇને થતાં તેમણે પોતાની જમીનનાં દાખલામાં થયેલી ટુકડાની નોંધ માટે સારો અભિપ્રાય આપવા ગામનાં તલાટી કાનજીભાઇ સવજીભાઇ મોરી પાસે ગયા હતા. પરંતુ તલાટીએ સારો અભિપ્રાય આપવા માટે રૂ.૫૫૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી અલીમહમદ સંમત થયા હતા. બાદમાં તલાટી કાનજીભાઇએ પાક ધીરાણ હોવાનુ દર્શાવીએ તો ટુકડાની નોંધ રદ કરવાની સહેલાઇ થશે તેવો રસ્તો બતાવ્યો હતો. તેમજ પાક ધીરાણનાં પુરાવા પર સહી કરવાનાં અલગથી રૂ.૧૫૦૦ની માંગણી કરી હતી. જે પણ અલીભાઇએ માની લીધી હતી. બાદમાં અલીમહમદભાઇએ આ લાંચીયા તલાટીને સબક શીખવાડવાનો સંકલ્પ કર્યો હોય જૂનાગઢ એસીબીની મદદ માંગી હતી. જેથી એસીબી પીઆઇ એ.આઇ.સૈયદ અને સ્ટાફનાં હિરાભાઇ ચુડાસમા, નારણભાઇ ડાંગર, રમેશભાઇ વ્યાસ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, છગનભાઇ જાગાણી અને કાનાભાઇ ડાંગર સહિતનાંએ છટકું ગોઠવ્યું હતું. જેમાં અલીમહમદભાઇનાં હાથે પંચાયત ઓફીસમાં જ રૂ. ૭ હજારની લાંચ લેતા તલાટી કાનજીભાઇ સવજીભાઇ મોરી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. તલાટી લાંચ લેતા ઝડપાયાની ખબર વાયુ વેગે પ્રસરી જતાં ભારે ચકચાર જાગી છે. એકલા આવવાનો આગ્રહ કર્યો’તો તલાટીએ લાંચનાં છટકામાં ફસાઇ જવાનાં કિસ્સાઓ વાંચતા હોય તેમ તલાટી કાનજીભાઇએ અલીમહમદને રૂપિયા દેવા માટે એકલો જ આવે તેવો આગ્રહ રાખ્યો હતો. પરંતુ છતાં તેનું પાપ છાપરે ચડી પોકારી ઉઠ્યું હતું. વોઇસ રેકોર્ડરે ફસાવ્યો રૂપિયાની માંગણી કરી તેમજ આ રૂપિયા આપવા અલીભાઇએ એકલા જ આવવું એવો આગ્રહ રાખતા તલાટીને સપડાવવા એસીબીએ ફરિયાદીને રૂપિયા આપવા જતી વખતે વોઇસ રેકોર્ડર પણ આપી દિધુ હતું. જેથી તે બંન્ને વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ થઇ ગઇ હતી. જેના આધારે તલાટીએ લાંચ લીધી હોવાનું જણાઇ આવતા એસીબીએ તેને ઝડપી લીધો હતો.