રાણાવાવ ન.પા.ની કાબૉઇડ સામે લાલ આંખ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૧૨૦૦ કિલો સડેલા ફળ અને શાકભાજીનો નાશ કરાયો હાલ કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી હોય, ગ્રાહકોની માંગને પહોંચી વળવા કેરીના ધંધાર્થીઓ રાતોરાત કાર્બાઇડ મુકીને કેરી પકાવે છે. જે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. ત્યારે રાણાવાવ નગરપાલિકાએ જાહેર આરોગ્યને ધ્યાનમાં લઈને કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ સામે લાલ આંખ કરી હતી. આજે રાણાવાવ પાલિકાના અધિકારીઓએ દરોડો પાડીને ૧૨૦૦ કિલો જેટલા ફળો અને શાકભાજીના જથ્થાનો નાશ કર્યો હતો. પાલિકાના કડક વલણને લઈને કાર્બાઇડ વાપરનાર વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાણાવાવ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે આજે કાર્બાઇડથી ફળો પકવતા વેપારીઓ તથા શાકભાજીના વેપારીઓની વખારો તથા દુકાનો ઉપર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાણાવાવ નગરપાલિકાએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વ્યાપારીઓ સામે લાલ આંખ કરી આજે દંડનો ધોકો ઉગામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાર્બાઇડને લીધે લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થાય છે. તો વ્યાપારીઓ આ કાર્બાઇડનો ખુલ્લામાં જ્યારે નાશ કરે છે ત્યારે અબોલ પશુઓ આ કાર્બાઇડની પડીકીઓ ખાઈને મોતને ભેંટે છે. કાર્બાઇડનો ઉપયોગ કરનાર કોઈપણ સંજોગોમાં માફીને લાયક નથી. આજે રાણાવાવ નગરપાલિકાના અધિકારીઓએ જાહેર આરોગ્યના હિતમાં આવા વ્યાપારીઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંદાજે ૧૨૦૦ કિલો કેરી તથા સડેલા ફળો અને શાકભાજીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.રાણાવાવ નગરપાલિકાનાં શોપ ઈન્સ્પેકટર હેમતભાઈ રાઠોડ, મશરીભાઈ, કરણભાઈ, હિતેષભાઈ તથા પોલીસતંત્રના સ્ટાફ સહિતના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા અને આવનારા દિવસોમાં હજુ પણ વધુ સઘન કામગીરી કરવામાં આવશે તેમ રાણાવાવ નગરપાલિકાના ચફિ ઓફિસરે જણાવ્યું હતું.