૯૦ ટકા બેંક લોનથી આવતા જહાજમાં અંડરવર્લ્ડના નાણા લાગ્યા હોવાના જૂઠ્ઠાણા ફેલાવી ઉદ્યોગને બદનામ કરવાનો કારસો
અલંગ શિપબ્રેકિંગ વ્યવસાયને ભાંગી નાંખવા માટે સક્રિય થયેલા અગ્રીમ હરળોના ઔદ્યોગિક ગૃહો દ્વારા વધુ એક જુઠ્ઠાણુ ફેલાવી બદનામ કરવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. શિપ રીસાયકલિંગ એસો. ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં તા.૧૯ના રોજ શિપબ્રેકિંગ અંગેનો ચુકાદો અપેક્ષિત છે, તે પૂર્વે શિપબ્રેક્રિગને બદનામ કરવા માટે ચોક્કસ તત્વો સક્રિય બન્યા છે અને સંપૂર્ણપણે પારદર્શક આર્થિક વ્યવહારોથી ચાલતા વ્યવસાયને અંડરવર્લ્ડના નાણા ઠલવાઇ રહ્યા હોવાના પાયાવિહોણા આક્ષેપોથી અસમતોલ બનાવવાનો કારસો રચાઇ રહ્યો છે.
એક અંગ્રેજી અખબારમાં નેવલ ઈન્ટેલિજન્સના હવાલાથી પ્રસિધ્ધ થયેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોમાં દાઉદ ઇબ્રાહિમ દ્વારા જંગી ભંડોળ ઠાલવવામાં આવી રહ્યું છે, અને પાકિસ્તાનના ચોક્કસ તત્વો દ્વારા હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરી અલંગના માર્ગે કરાવવામાં આવી રહી છે.
અખબારના આક્ષેપોને ફગાવતા શિપ રીસાયકલિંગ એસો. ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોમાં ૯૦ ટકા બેંક લોન હોય છે, અને બાકીના નાણા ચેક દ્વારા રોકાણકારો પાસેથી વ્યાજે લેવામાં આવે છે. આમ સંપૂર્ણપણે શિપબ્રેકિંગનો આર્થિક વ્યવહાર પારદર્શક છે. ૧૯૮૨થી શિપબ્રેકિંગનો વ્યવસાય ચાલી રહ્યો છે અને ૬૦૦૦ જેટલા જહાજ અત્યાર સુધીમાં તેની અંતિમયાત્રાએ આવી ચૂક્યા છે,
પરંતુ અત્યારસુધીમાં એકપણ બનાવ એવો બન્યો નથી કે જેમાં અંડરવર્લ્ડના નાણાનું રોકાણ આવ્યું હોય. પર્યાવરણવાદી સંસ્થાઓનો ખભો લઇ અને દેશના ટોચના ઔદ્યોગિક ગૃહો કે જેઓને શિપબ્રેકિંગ વ્યવસાય હરિફાઇમાં નડી રહ્યો છે, તેઓ દ્વારા વિવિધ સ્તરે ધંધો બંધ કરાવવા માટે હાવતીયા મારવામાં આવી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમયાંતરે ચોક્કસ તત્વો દ્વારા અત્યાર સુધીમાં ૭મી વખત શિપબ્રેકિંગમાં અંડરવર્લ્ડના નાણાનું રોકાણ કરવામાં આવી રહ્યું હોવાના હેવાલ પ્રસિધ્ધ થયા છે, પરંતુ દેશની એકપણ તપાસ એજન્સી અથવા ગુપ્તચર શાખાઓ દ્વારા ખાનગીરાહે કરવામાં આવેલી તપાસમાં ગેરરીતિ થતી હોવાનું ખુલ્યું નથી.
ઉપરાંત સમયાંતરે સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુકત ઈન્ટર મીનીસ્ટરીયલ કમિટી દ્વારા પણ ચકાસણી થતી રહે છે. અને વિવિધ એજન્સીઓ પણ અલંગના રીપોર્ટ નિયમિતપણે મેળવે છે છતાં આજ દિવસ સુધી એકપણ વખત અન્ડરવર્લ્ડના નાણાં શિપબ્રેકીગમાં રોકાયા હોવાનું ખૂલ્યું નથી.
ગુપ્તચર શાખાનો નનૈયો
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં અંડર વર્લ્ડના નાણાનું રોકાણ થયું હોવાના હેવાલ અંગે ગુપ્તચર શાખાએ નનૈયો ભણ્યો છે, અને નામ પ્રસિધ્ધ નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, અમારા વિભાગ દ્વારા આવો કોઇ રિપોર્ટ કરવામાં આવ્યો નથી. શિપબ્રેકિંગની તમામ પ્રવૃત્તિઓ પર અમારી બારીક નજર રહે છે, પરંતુ અત્યારસુધી અમારી જાણમાં નશીલા પદાર્થ, નકલી નોટો અથવા અંડર વર્લ્ડના રોકાણ અંગેની અમને કોઇ માહિતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.