પોરબંદર નગરપાલિકા સુપરસીડ ભણી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બજેટના પ્રશ્નેસુપરસીડ કેમ ન કરવી ? તે બાબતે કારણદર્શક નોટીસ આપતા રાજકીય ગરમાવો પોરબંદર નગરપાલિકાનું વર્ષ ૨૦૧૨-૧૩ નું બજેટ કોંગ્રેસે ત્રણ-ત્રણ વખત જનરલ બોર્ડની બેઠકમાં રજુ કર્યું. તેમ છતાં મંજુર-નામંજુરનો વિવાદ યથાવત રહ્યો હતો. અંતે આ બાબતે શહેરી વિકાસ મંત્રીએ નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી ? તે અંગે કારણદર્શક નોટીસ આપતા નગરપાલિકાના રાજકારણમાં ભુકંપ સર્જાયો છે. અને આગામી દિવસોમાં નગરપાલિકા સુપરસીડ થઈ જશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પોરબંદર નગરપાલિકાનું શાસન કોંગ્રેસ પાસે હોય, આથી અવારનવાર વિકાસના કામોના મુદ્દે વિવાદ થતો આવ્યો છે. વપિક્ષ ભાજપે આ બાબતે એડીચોટીનું જોર લગાડ્યું હતું. કોંગ્રેસ શાસિત પાલિકાએ વર્ષ ૨૦૧૨-૧૩ નું રૂ. અઢી કરોડની પુરાંતવાળુ બજેટ તા. ૧૨ મી માર્ચે રજુ કર્યું હતું. પરંતુ ભાજપે બહુમતીના જોરે નામંજુર કર્યું હતું. ત્યારબાદ તા. ૨૬ મી એપ્રિલના રોજ બીજી જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં પણ ભાજપે બહુમતીના જોરે બજેટ નામંજુર કર્યું હતું. જેને કારણે પાલિકામાં બજેટનો મુદ્દો મુંઝવણભર્યો બની ગયો હતો. આખું પ્રકરણ નગર નિયામક પાસે ગયા બાદ તા. ૫ મી જુલાઈના રોજ બજેટ માટે ત્રીજી જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપના ૧૮ સભ્યોને કોંગ્રેસના ૪ સભ્યોએ ટેકો આપતા તેમની બહુમતી થઈ ગઈ હતી. તેમ છતાં કોંગ્રેસે મિનીટસમાં કોઈ સુધારા-વધારા કરી શકાય. મિનીટસ નામંજુર કરી શકાતી નથી, તેમ કહી અધ્યક્ષ દેવશીભાઈ પરમારે બજેટ મંજુર કર્યાનું રૂલીંગ આપી દીધું હતું. આ બેઠકમાં પણ ભાજપે બેઠકમાં બહુમતીના જોરે નામંજુર કર્યું હતું. આ બાબતે ચફિ ઓફિસરે જિલ્લા કલેક્ટરને બજેટ અંગેનો રીપોર્ટ કર્યો હતો. આ અંગે જિલ્લા કલેક્ટરે નગર નિયામક ગાંધીનગરને રિપોર્ટ મોકલ્યો હતો. બીજી તરફ નગર નિયામકે શહેરી વિકાસ વિભાગને આ અંગેની જાણ કરતા શહેરી વિકાસ મંત્રી નિતીન પટેલે ગઈકાલે નગરપાલિકા સુપરસીડ કરવાની નોટીસ ઈસ્યુ કરવાની સુચના આપી હતી. જેને પગલે આજે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પોરબંદર નગરપાલિકાને સુપરસીડ કરવા અંગેની કારણદર્શક નોટીસ આપી છે અને તા. ૨૭ સુધીમાં ૪૨ સભ્યોને જવાબ દેવા જણાવાયું છે. જેને પગલે નગરપાલિકામાં ભુકંપ સર્જાયો છે. હવે જોવાનું એ રહ્યું કે, નગરપાલિકા આ અંગે શું જવાબ આપે છે ? તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં નગરપાલિકા સુપરસીડ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. - નોટીસની બજવણી આજે કરાશે બજેટના પ્રશ્ને શહેરી વિકાસ મંત્રાલયે સુપરસીડ અંગેની કારણદર્શક નોટીસ આપી છે. આ નોટીસ આવતીકાલે તા. ૨૨ જુલાઈ ને રવિવારના રોજ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કાઉન્સીલરોને આપવામાં આવશે, તેવું આધારભુત સુત્રોમાંથી જાણવા મળે છે. - શાસક પક્ષ કોંગ્રેસના જ સુધરાઈ સભ્યો નારાજ હતા ! પોરબંદર નગરપાલિકામાં કોંગ્રેસના જ કેટલાક સુધરાઈ સભ્યોના વિસ્તારના કામો નહીં થતા હોવાથી તે ખુદ કંટાળી ગયા હતા. બજેટ અંગે મળેલી ત્રીજી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના ૪ જેટલા સભ્યો ભાજપની પાટલીમાં બેસી ગયા હતા અને વ્હીપનો અનાદર કર્યો હતો. જો કે આ ચારેય સભ્યોને પક્ષાંતર ધારા વિરોધી પ્રવૃતિ અંગે સસ્પેન્ડ કરવા અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી અને આ અંગેની જાણ કલેક્ટર અને નગરનિયામકને પણ કરવામાં આવી હતી.