કાલે સવારે શુક્રના સંક્રમણની ખગોળીય ઘટના

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તખ્તેશ્વર-ચિત્રા માર્કેટયાર્ડમાં સંક્રમણ નિહાળવા કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રે કરેલી વ્યવસ્થા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી તો આપણે સૌ કોઈ માહિ‌તગાર છીએ, જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે આની જેમ સૂર્યમાળાના ગ્રહો સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવે તેને ગ્રહનું સંક્રમણ રહે છે. જે જવલ્લે જ બનતી ઘટના છે. તા.૬ જૂનને બુધવારે શુક્રનું સંક્રમણ જોવા મળશે અને હવે ઈ.સ.૨૧૧૭ સુધી આ ઘટના થવાની નથી. વળી, ઈ.સ.૧૬૦૯માં ટેલિસ્કોપ શોધ થયા બાદ માત્ર સાત વખત જ આ સંક્રમણ થયું છે હવે બુધવારે આઠમી વખત થશે. ભાવનગરમાં કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે સ્થળોએ બુધવારે સવારે શુક્રના સંક્રમણની ઘટના નિહાળવા અંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા.૬ જૂનને બુધવારે કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરમાં શુક્રના સંક્રમણની ઘટના નિહાળવા અંગે જે વ્યવસ્થા ગોઠવામાં આવી છે તે અંગે માહિ‌તી આપતા કેન્દ્ર સંચાલક ભાવેશભાઈ ભરાડે જણાવ્યું હતું કે બુધવારે સવારે ૬થી૧૦-૩૦ સુધી તખ્તેશ્વર મંદિર ટેકરી ખાતે ટેલિસ્કોપ, ચશ્મા વિ. સાથે માહિ‌તી-માર્ગદર્શન આપી આ સંક્રમણ દર્શાવાશે સાથે ટીવીની સુવિધા પણ રાખવામાં આવી છે. તો ચિત્રા માર્કેટયાર્ડ ખાતે બુધવારે સવારે ૭થી૧૦ સુધી આ સંક્રમણ નિહાળવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. શુક્ર ગ્રહના વાતાવરણમાં સલ્ફરીક એસીડના વાદળો અને કાર્બન ડાયોકસાઈડ રહેલ છે. આથી તેનું બાહ્ય સપાટીનું ઉષ્ણતામાન ૪૮૦ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ રહે છે. અને આથી જ વધુ પ્રકાશિત રહે છે. શુક્ર તેની ધરી ઉપર પૃથ્વીના ૨૪૩ દિવસ જેટલો સમય લઈ પૃથ્વી કરતા ઉલટું તેની ધરી ઉપર ફરે છે. તેનું એક વર્ષ પૃથ્વીનાં ૨૨૪.૭ દિવસ જેટલું છે. સૂર્ય-શુક્ર-પૃથ્વીના ભ્રમણ માર્ગના વંકનને લીધે શુક્ર પણ ચંદ્રને બુધની જેમ કળાઓ કરે છે તેમ ખગોળવિદ્દ સુભાષભાઈ મહેતાએ જણાવ્યું છે. ટેલીસ્કોપની શોધ થયા બાદ ઈ.સ.૧૬૩૧-૧૬૩૯-૧૭૬૧-૧૭૬૯-૧૮૭૪-૧૮૮૨-૨૦૦૪માં આ ઘટના બનેલ હવે ૨૦૧૨-૨૧૧૭-૨૧૨પમાં આ બનાવ બનશે. ઈ.સ.૧૬૧૯માં જર્મન ખગોળશાસ્ત્રી જહોનીઝ કેટલરે સૂર્યથી શુક્રનું અંતર શોધી કાઢેલ. તેણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમીકલ અંતર ગણીને ૦-૭૨ એયુ અને મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર ૧.પ એયુ મેળવેલ.પરંતુ એસ્ટ્રોનોમીકલ યુનીટનું મૂલ્ય કેટલું થાય તે જાણી શકેલ નહોતો. શુક્રનું સંક્રમણ જોવાની સલામત પધ્ધતિઓ... - વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત કરેલ સોલર ફીલ્ટર આંખે રાખીને માત્ર ૩૦ સેકન્ડ સુધી જ સૂર્યને જુઓ. - વેલ્ડીંગ માટે વપરાતા ૧૪ નંબરના ગ્લાસના માસ્કથી શુક્રનું સંક્રમણ જુઓ. - બાયનોક્યુલર કે ટેલીસ્કોપની આગળના કાચ ઉપર કે આઈપીસ ઉપર સોલર ફીલ્ટર રાખીન સૂર્યને જુઓ. સીધે સીધો સૂર્યને કદી ન જૂઓ. - એક્સ-રેમાં વપરાતી ઓવર એક્સપોઝર ત્રણ ફિલ્મો ઉપરા-ઉપરી રાખીને જોઈ શકાય. કાળા રંગના ગોગલ્સ કે અન્ય રંગીન ચશ્મા વડે કદી સૂર્ય ન જુઓ. - એક અરીસા ઉપર કાળો કે રંગીન કાગળ લગાવી તેની મધ્યમાં ૨ સે.મી. ગોળાઈવાળો ભાગ દૂર કરી સૂર્યની સામે ધરીને તેનું પ્રતિબિંબ દિવાલ ઉપર પાડી જોઈ શકાય છે. - પીન હોલ કેમેરાની રીત-એક પૂંઠાના ખોખામાં નાનું ગોળ કાણું પાડી બીજી બાજુ સૂર્યનું પ્રતિબિંબ બર્હિગોળ કાચની મદદથી દિવાલ ઉપર પાડી જુઓ. - સૂર્યની સામે નરી આંખે કદી ન જુઓ. નહીં તો અંધાપો આવશે. - કાળારંગના ગોગલ્સ કે સ્મોક ગ્લાસથી પણ સૂર્યને ન જુઓ.