સોરઠમાં દુંદાળાદેવને ભાવભીનિ વિદાય, મૂર્તિ જળમાં પધરાવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અબીલ-ગુલાલની છોળ સાથે વિસર્જન યાત્રા : મૂર્તિ જળમાં પધરાવાઇ જૂનાગઢ જિલ્લામાં દુંદાળાદેવને ભાવભેર વિદાય અપાઇ હતી. ઉના, વંથલી, વિસાવદર, ભેંસાણ, કોડીનાર, જૂનાગઢ, બિલખા, વડાલ સહિતના ગામો અને દીવમાં વાજતેગાજતે વિસર્જન યાત્રા યોજાઇ હતી અને ગણપતિની મૂર્તિઓને જળમાં પધરાવી વિદાય અપાઇ હતી. ઊના: ઊના શહેર અને પંથક છેલ્લા દસ દિવસથી ગણેશ ભકિતમાં મગ્ન બન્યો હતો. વિવિધ ગ્રુપ દ્રારા પોતપોતાના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આજે સવારે દુંદાળાદેવની પ્રતિમાને પુજાઅર્ચન કર્યા બાદ આતશબાજી અને ડીજે ના તાલે વાજતેગાજતે વિસર્જન યાત્રા નીકળી હતી જે અબીલગુલાલની છોળો ઉડાડતી દરિયા કાંઠે પહોંચી આસ્થાભેર મૂર્તિઓનું જળમાં વિસર્જન કરાયુ હતુ. યાત્રા દરમ્યાન ગણપતબિાપા મોરયા અગલે બરસ જલ્દી આનાનાં નારા ગુંજયા હતા. વંથલી: વંથલી શહેરમાં આજે એક સાથે પંદર ગણેશજીની મૂર્તિઓને વાજતેગાજતે વિદાય અપાઇ હતી. સિંધી સમાજના યુવાનો દ્રારા પેટ્રોલ-ડીઝલ બચાવાના સંદેશ સાથે ગણેશજીને રથમાં બેસાડી દોરીને લઇ ગયા હતા. હાઇસ્કુલ રોડ, ત્રાંબડીયા ફળી, સખરભવન સહિતના વિસ્તારો દસ દિવસ સુધી ગણેશમય બન્યા હતા. બોરડી ચોરામાં ઇલિયાસભાઇ જેઠવા સહિતના મુસ્લીમ બિરાદરો દ્રારા ગણપતિને ચોખા ધી ના લાડુનો થાળ ધરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. મૂર્તિઓને સોમનાથ દરીયામાં પધરાવાઇ હતી. વિસાવદર : વિસાવદરમાં રામમંદિર ચોકથી આજે બપોરના સુમારે ત્રીસ જેટલી ગણેશજીની મૂર્તિઓને ટ્રક, ટ્રેકટર જેવા વાહનોમાં શણગારી બેસાડી ડીજે ના તાલ સાથે મુખ્ય બજારોમાં ફેરવ્યા બાદ ધ્રાફડ ડેમમાં વિસર્જીત કરવામાં આવી હતી. ગંજીવાડાના શંકર મંદિર પાસે મહાદેવ ગૃપ દ્રારા ગણેશ સ્થાપના કરાઇ ત્યારે આંકડાના મુળીયામાં ગણેશજીની પ્રતિકૃતિના દર્શન થતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કોડીનાર : કોડીનાર શહેર અને પંથકમાં આજે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળેલ અને ગણેશજીની મૂર્તિઓને જળમાં પધરાવાઇ હતી. ભેંસાણ: ભેંસાણના છોડવડી ગામે જયમાતાજી યુવક મંડળ દ્રારા ગણપતિ મહોત્સવની દસ દિવસ સુધી ધામધુમથી ઉજવણી કરાઇ હતી. આજે બાળકોને બટુક ભોજન કરાવ્યા બાદ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાયુ હતું. વડાલ : ઓમ ગૃપ વડાલ દ્રારા ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરાયુ હતું. બસ સ્ટેન્ડ થી ડીજે ના તાલે અબીલગુલાલ ની છોળો ઉડાળતી શોભાયાત્રા મેઇન બજારમાં ફરી મજેવડી મુકામે વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ પ્રસાદનો લાભલીધો હતો. જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં આજે જુદા જુદા સ્થળોએથી ગણેશજીની વિસર્જન યાત્રા નિકળી હતી અને મૂર્તિઓને જળમાં પધરાવાઇ હતી. દીવ : દીવ-ઘોઘલામાં ગણેશ ઉત્સવ પુરી શ્રધ્ધા સાથે ઉજવાયો હતો. સાર્વજનીક ગણેશ ઉત્સવ ઉપરાંત અનંત ચૌદશ સુધી ઘેર ઘેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આજે પૂજા અર્ચન કર્યા બાદ ભાવિકોએ નાચગાન સાથે યાત્રા યોજી બાપાની મૂર્તિઓને સમુદ્રમાં પધરાવી હતી.