રક્ષક ભક્ષક બની ત્રાટક્યાં, થાનમાં પોલીસના ૪૦ રાઉન્ડ ગોળીબારમાં ત્રણનાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પોલીસ-દલીતો આમને-સામને: પોલીસનો ૪૦ રાઉન્ડ ગોળીબાર, ૩નાં મોત

- મૃતદેહ નહીં ઉપાડવાની ધમકી: પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉપાડાય


સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનમાં પોલીસ ફરિયાદ લેવા બાબાતે દલીતો અને પોલીસ આમને સામને આવી જતાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે કરેલા ૪૦ રાઉન્ડ ગોળીબારમાં ત્રણ દલિત યુવકોના મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ઉગ્ર પડઘા પડ્યા છે. દલિત પરિવારોએ પોલીસ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં પરિસ્થિતિ પેચીદી બની છે.

દરમિયાન સોમવાર સવારે આ મામલામાં પીએસઆઇ જાડેજાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ઉચ્ચ ટીમ આ ઘટનાની તપાસ કરશે. આ ઘટનાની વધુ તપાસ ડીઆઈજી જોટંગીયા કરશે.

દલીતો અને પોલીસનું ઘર્ષણ શનિવારે મોડી રાત્રેથી શરૂ થયું હતું જેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે યુવકો રવિવારે થયેલા ગોળીબારમાં માર્યાં ગયાં હતા. થાન નગરપાલિકા દ્વારા યોજાતા લોક મેળામાં દલિતો અને ભરવાડ જ્ઞાતિના લોકો વચ્ચે શુક્રવારે બોલાચાલી થઇ હતી. આ બાબતની ફરિયાદ લેવાની થાન પોલીસે ના પાડતા શનિવારે રોષે ભરાયેલા દલિતોનું એક હજારથી વધુ લોકોનું ટોળું અને પોલીસ આમને સામને આવી ગયા હતા. જેમાં ન્યાયની માગણી સાથે લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ભાગદોડ મચી હતી. લોકોના ટોળાનો આક્રમક મિજાજ પારખીને પોલીસે કરેલા ફાયિંરગમાં ૧૭ વર્ષના પંકજ અમરશીભાઇ,૧૮ વર્ષના મેહુલ વાલજીભાઇ રાઠોડ અને ૨૬ વર્ષના પ્રકાશ બાબુભાઇ પરમાર એમ કુલ ત્રણ દલિતોના મોત થયા હતા.

જ્યારે ચનાભાઇ માવજીભાઇને ઇજા થતા સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.પોલીસ ફાયિંરગમાં ત્રણ યુવાનના મોત થતા હજારો દલિતો રવિવારે સવારથી જ થાનના રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા.જેમાં પોલીસે ૪૦ રાઉન્ડ ફાયરિંગ અને ૩ રાઉન્ડ ટિયરગેસના સેલ છોડ્યા હતાં. આ બનાવની ગંભીરતા પામી રાજકોટ રેન્જના આઇજી પ્રવિણસિંહા અને પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સ પોલીસ કાફલા સાથે થાન દોડી આવતા થાન પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.

વધુ માહિતી માટે તસવીરો પર ક્લિક કરો...


Related Articles:

થાન: ટોળાંએ પથ્થરો ફેંક્યા, પોલીસે ગોળીઓ મારી
થાન બનાવને પગલે ચોટીલામાં ટોળાંએ ટાયર સળગાવ્યાં
થાનગઢ મામલે સત્તાધીશોએ જવાબ તો આપવો જ પડશે
રાજકોટ હોસ્પિટલમાં દલિતોના ટોળાં, લાશ સ્વીકારવાનો ઈન્કાર