જાફરાબાદ પાલિકા કચેરીમાં જનઆક્રોશ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સફાઇકામદારો હડતાલપર ઉતરી જતાં ચોતરફ ગંદકીની સમસ્યાના વિરોધમાં રેલી પાલિકાએ પહોંચી જાફરાબાદમાં પાછલા એક અઠવાડિયાથી નગરપાલિકાના સફાઇ કામદારો પોતાની જુદીજુદી માંગણીઓ નહી સંતોષતા તેમજ પાલિકાના હોદેદારો અને અધિકારીઓના નકારાત્મક વલણથી અને સરકારના વહીવટી પ્રશ્નોથી તંગ આવી જઇને સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. સફાઇ કામદારો હડતાલ પર ઉતરી જતા શહેરમાં ઠેરઠેર ગંદકીના ગંજ જામતા લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી હોય આજે લોકો રોષે ભરાયા હતા. અને રેલી કાઢી પાલિકા કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. શહેરમાં પાલિકાના સફાઇ કામદારો પોતાની જુદીજુદી માંગણીઓને લઇને હડતાલ પર ઉતરી જતા જાફરાબાદની મેઇન બજારો, ગીરીરાજનગર, નાના મોટા ઉંચાણીયા, નવી બજાર સહિતના વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયા હતા. આ તમામ વિસ્તારોમાં ગટરો ઉભરાઇ રહી છે. ઉપરાંત ઠેરઠેર ગંદકી અને શાૈચાલયો ઉભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાફરાબાદ શહેર જાણે નકૉગાર બની ગયું હોય લોકો રોષે ભરાયા હતા. પાલિકા દ્રારા કોઇ સાફસફાઇની કામગીરી કરવામાં આવી ન હોય આજે લોકોએ રેલી કાઢી હતી. અને પાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે શહેરમાં તાબડતોબ સાફ સફાઇ કરવામાં નહી આવે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ પાલિકાના અધિકારીઓ અને સફાઇ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને ગામના કામમાં સહયોગ આપવા હાકલ કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યએ ૧૭ રોજમદારોને બદલે ૩૦ રોજમદારો રાખવા અધિકારીઓને ખાસ સુચના આપી હતી. જયેશભાઇ ઠાકર, રમેશભાઇ બારૈયા, એસ.એમ.ઘોરી, મયુરીબેન, ઉમરભાઇ, અસલમભાઇ, સલીમભાઇ સહિતના આગેવાનોએ પણ ઉગ્ર રજુઆતો કરી હતી. - ગંદકી નહી હટાવાય તો ઉગ્ર આંદોલન જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ પ્રવિણભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે નગરપાલિકાના સતાધીશો તાત્કાલિક શહેરમાં ગંદકીના ગંજ દુર નહી કરે તો પ્રજાનો સાથ મેળવીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેની જવાબદારી તંત્રની રહેશે. આ ઉપરાંત ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરવામાં આવી છે.