ઓખા-બેટ વચ્ચે ચાલતી બોટના માલિકોની આજથી હડતાલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બેટ જવા માટે એકમાત્ર દરિયાઇ માર્ગ હોય, સ્થાનિક લોકો અને યાત્રાળુઓ રઝળી પડશે જીએમબીએ શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્જીસમાં ઝીંકેલા અસહ્ય વધારાના વિરોધમાં ઓખા-બેટ વચ્ચે ચાલતી ૧૦૭ ફેરીબોટના માલિકોએ ગુરૂવારથી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. બેટ જવા માટે એકમાત્ર દરિયાઇ માર્ગ હોય, બોટ સેવા બંધ થતાં સ્થાનિક લોકો અને યાત્રાળુઓ રઝળી પડશે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે હાલમાં ૧૦૭ પેસેન્જર બોટો કાર્યરત છે. જીએમબીએ ફેરીબોટના શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્જીસમાં અસહ્ય વધારો ઝીંકતા ફેરીબોટના માલિકોએ તા.૧૮થી સામુહિક હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ગુરૂવારથી બોટ માલિકો અચોકકસ મુદતની હડતાલ પર જશે. અત્રે નોંધનિય છે કે, આ મુદે અનેક રજૂઆતો કરવા છતાં જીએમબીના અધિકારીઓ દ્વારા કોઇ પગલાં ન લેવાતાં હડતાલનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી હોવાનું બોટ માલિકોએ જણાવ્યું છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે એકમાત્ર દરિયાઇ માર્ગ હોય, બોટ સેવા બંધ થતાં યાત્રાળુઓ અને સ્થાનિક લોકો રઝળી પડશે. બીજીબાજુ બોટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. માટે આ પ્રશ્નનો તુરંત નિકાલ કરવા લોકોમાં માંગણી ઉઠી છે.