ધ્રાંગધ્રાની ભરબજારમાં યુવાનની હત્યાથી તંગદિલી, સુરેન્દ્રનગરમાં તોડફોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા શહેરના શક્તિગેટ પોલીસ ચોકી ભરબજારમાં ભરવાડ યુવાનને ચાર શખ્સો ઉઠાવીને લઇ ગયા હતા ત્યારબાદ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી ધ્રાંગધ્રા ચરમરિયાના ગ્રાઉન્ડ ખાતે નાખી દેવાયો હતો ત્યારે સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા ભરવાડ યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવના કારણે ધ્રાંગધ્રામાં તંગ પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં બસ સ્ટેન્ડ પાસે રોષે ભરાયેલા ટોળાએ ધસી જઇને કેબિનો અને દુકાનોમાં તોડફોડ કરતા અફરાતફરી મચી ગઇ હતી. ધ્રાંગધ્રામાં લાંબા સમયથી ભરવાડ અને દરબાર જુથ વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું હતું. અવારનવાર એકબીજા ઉપર હુમલાના બનાવો બનતા હતાં ત્યારે સાતમ આઠમના મેળામાં દરબાર યુવાન ઉપર થયેલા હુમલાના બનાવના મનદુ:ખ રાખી શનિવારે બપોરે ભર બજારમાં શક્તિગેટ પોલીસ ચોકી સામે પોપટભાઈ દેવાભાઈ મેવાડા યુવાન ઉપર મારૂતિકારમાં આવેલા શખ્સોએ હુમલો કરતા ફાયરિંગનો બનાવ બન્યો હતો.

ત્યારબાદ આરોપીએ પોપટભાઈ દેવાભાઈ મેવાડાને ગંભીર રીતે ઘાયલ કરી મારૂતિકારમાં ઉઠાવી જઇ ધ્રાંગધ્રા ચરમારિયાના ગ્રાઉન્ડમાં ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ફેંકી દીધો હતો ત્યારે ઘાયલ યુવાનને ૧૦૮ દ્વારા ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી ધ્રાંગધ્રામાં મોટી સંખ્યામાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનોમાં ભારે તોડફોડ કરતા તંગદિલીનું વાતાવરણ સર્જાઇ ગયું હતું.

આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સ, ડીવાય.એસ.પી. વિક્રમસિંહ રહેવર, એલસીબી, એસઓજી, હળવદ, પાટડી સહિતના વિસ્તારોમાંથી પોલીસ ટીમો ધસી જઇ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ અંગે જિલ્લા પોલીસવડા રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું કે, ભરવાડ યુવાનનું ખૂન થતા ધ્રાંગધ્રાની પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ કોઇ અનિિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાય.એસ.પી. એલ.સી.બી., એસ.ઓ.જી., એસ.આર.પી.ની ટુકડીઓ ગોઠવી દેવાઇ છે.

- નગરપાલિકાના સભ્ય સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

ધ્રાંગધ્રાના પોપટભાઈ દેવાભાઈ મેવાડા ઉપર હુમલો કરી મોત નીપજાવ્યાની ફરિયાદ પરેશભાઈ ઉર્ફે મુન્નો બારોટે નોંધાવી છે. જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના સભ્ય ઇન્દ્રસિંહ બચુભાઈ ઝાલા, દિલીપસિંહ બચુભા ઝાલા, માવસંગસિંહ ઝાલા અને પરેશભાઈ રબારી સામે ખૂન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આથી આ ચારેય આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- ભરવાડ યુવાનની હત્યાથી સુરેન્દ્રનગરમાં તોડફોડ

ધ્રાંગધ્રામાં પોપટભાઈ દેવાભાઈ ભરવાડ પર ફાયરિંગ કર્યા બાદ તેમને લોહી નીતરતી હાલતમાં સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત થતા ભરવાડ સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. હોસ્પિટલમાં એકત્ર થયેલા ભરવાડ સમાજના લોકોએ હત્યાના વિરોધમાં એસ.ટી.બસ પર પથ્થરમારો કરતા દોડધામ મચી હતી. આ બનાવની ગંભીરતા પામી હોસ્પિટલ પર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગાંધી હોસ્પિટલે એક હજારથી વધુ ભરવાડ સમાજના લોકો જમા થતા પરિસ્થિતિ ભારેલાઅગ્નિ જેવી થઇ ગઇ હતી. ભરવાડ સમાજના અગ્રણીઓએ પોલીવડાને રજુઆત કરીને એવી વિગતો જણાવી હતી કે, આ બાબતનો ભય દર્શાવતી રજુઆત અગાઉ છેક ગાંધીનગર સુધી કરાઈ હતી. છતાં તંત્રની ઉદાસનીતાને કારણે સમાજના યુવાનની હત્યા થઇ છે. બનાવની જાણ થતાં જિલ્લાભરમાંથી ભરવાડ સમાજના લોકો સુરેન્દ્રનગર આવવા માટે રવાના થઇ ગયા છે. પરિણામે પરિસ્થિતિ તંગ થઇ ગઇ છે.

- આરોપી નહીં પકડાય ત્યાં સુધી અગ્નિસંસ્કાર નહીં

ભરવાડ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, આ બાબતે ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી આરોપીઓને પકડવામા નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો અગ્નિ સંસ્કાર નહીં કરવાની જાહેરાત કરવામાં આવતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી.

- હત્યાની તપાસ સીઆઈડીને સોપો

ભરવાડ સમાજ પર ધ્રાંગધ્રામાં ભય હોવાની અગાઉ પણ રજુઆત કરાઈહતી. છતાં પોલીસ નિષ્ક્રિય રહ્યું હોવાનો આક્ષેપ કરી સમગ્ર ઘટનાની તપાસ સી.આઈ.ડી. ક્રાઇમને સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી.