મોદીએ બોટાદને નવો જિલ્લો જાહેર કર્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બોટાદ જિલ્લાની જાહેરાત કરી હતી. આમ બોટાદએ ગુજરાતનો ૩૦મો જિલ્લો બન્યો છે. જ્યારે જાહેર સભામાં તેમણે ધોલેરાને તાલુકાનો દરજ્જો આપ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ અને સમી તેમજ બનાસકાંઠા જિલ્લાના વાવ એમ ત્રણ તાલુકાનું વિભાજન કરીને નવા ત્રણ સરસ્વતી, શંખેશ્વર અને સૂઇગામ તાલુકા બનાવવાની જાહેરાત રવિવારે પાટણના યુનિવર્સિ‌ટી ગ્રાઉન્ડમાં યોજાયેલી સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

આમ ત્યાર સુધીમાં મુખ્યમંત્રી મોદીએ આજે એક જિલ્લો અને ચાર તાલુકાની રચનાની જાહેરાત કરી છે. તેમણે પાટણ જિલ્લાના વિકાસકામો માટે રૂ.બે હજાર કરોડના પેકેજની પણ ઘોષણા કરી હતી. આ તબક્કે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ નવનિર્મિ‌ત્ત પાટણ નજીક ધારપુર મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ કોલેજનું શ્રી સરસ્વતી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે તેમ જાહેર કર્યું હતું.

- બોટાદ જિલ્લો એ ચૂંટણીલક્ષી જાહેરાત: શક્તિસિંહ ગોહિ‌લ

આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર જિ‌લ્લાના બોટાદને અલગ જિલ્લો જાહેર કરતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિ‌લે આ જાહેરાતને ચૂંટણી લક્ષી ગણાવી ભાજપની સરકાર છેલ્લાં ૧૨ વર્ષથી શાસનમાં છે. ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓની માંગણી છેલ્લા વિભાજન માટે હતી, પણ છેક હવે ડિસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને બોટાદને અલગ જિલ્લાનું વચન અપાયું છે જે માત્ર ચૂંટણીલક્ષી છે તેની સામે કોંગ્રેસ જો આગામી ચૂંટણી બાદ શાસનમાં આવશે તો ગુજરાત રાજ્યમાં ૬ વધારે બાટલા સબસીડીવાળા અપાશે અને તેનું ભારણ ગુજરાતની કોંગ્રેસ સરકાર ભોગવશે અને જનતાને વર્ષે ૧૨ રાંધણગેસના બાટલા સબસીડીવાળા મળશે.

આ ઉપરાંત શક્તિસિંહ ગોહિ‌લે જણાવ્યું હતું કે આ પહેલાં કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારે બાટલા પરની એક્સાઈઝ નાબૂદ કરી રાહત આપી છે.પણ ગુજરાતની ભાજપ સરકારે આવી કોઈ જાહેરાત કરવાને બદલે ખોટા વચનોની લ્હાણી કરે છે વળી તેઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સરકાર ગેસની પાઈપલાઈનને લંબાવવામાં નિષ્ફળગઈ છે તેનો ખોટી રીતે દોષ કેન્દ્રને આપે છે. લોકોને ગુમરાહ કરે છે. ભાવનગર કોંગ્રેસના આગેવાનો ડો.રાણીંગા, મહેરુભાઈ લવતુકા, ભરતભાઈ બુધેલીયા, રમણીકભાઈ પંડયા વિ.એ મોદીના જુઠાણાને વખોડયાં છે.

- કેન્દ્રની ગુજરાત વિરોધી નીતિ સામે લોકોની નિષ્ઠાનો જુવાળ

આ માત્ર પ્રજાજનોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે દેખાડેલો ઉમળકો નથી પરંતુ ભારતની પ્રજાની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરનારી કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની ગુજરાત વિરોધી નીતિ સામે નિષ્ઠાની અભિવ્યક્તિ છે તેમ આજે બોટાદમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા વેળાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવી કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થઈ રહેલા અન્યાયના સિલસિલાની ટિકા કરી મોકો આવ્યે જનતાને મિજાજ બતાવી દેવા હાકલ કરી હતી.

બોટાદને નવા જિલ્લાની ભેટ તે માટે રાજ્યમંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે મંચ ઉપર મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી અભિવાદન કર્યું હતું. અલગ જિલ્લાની જાહેરાતને આજે અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો. ભાવનગર ભાજપના બાબુભાઈ જેબલીયા, ચીથરભાઈ પરમાર વિ.એ જાહેરાતને આવકાર આપ્યો હતો.

- બોટાદ હવે સર્વાંગી વિકાસના પંથે આગેકૂચ કરશે: સાંસદ

આજે બોટાદમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બોટાદને અલગ જિલ્લા તરીકે જાહેર કરતા ભાવનગરના સાંસદ રાજુભાઈ રાણાએ આ જાહેરાતને વધાવી આ જિલ્લાનો સર્વાંગી વિકાસ થશે તેમ જણાવ્યું છે. ભાવનગર જિલ્લામાંથી આજે બોટાદને અલગ પાડી નવો જિલ્લો જાહેર કર્યો છે તે અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ રાજુભાઈ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદને આવનારા દિવસોમાં ન્યાયાલય, પોલીસ, સરકારી ઉચ્ચ કચેરીઓ વિ.ના ભાવનગરની જેમ જ અલાયદા લાભો મળતા થશે તેમજ બોટાદમાંથી જ જિલ્લા કક્ષાના પ્રશ્નોનો ઉકેલ આવી જશે. આ માટે તેઓને હવે ભાવનગર સુધી ધક્કો ખાવાનો રહેશે નહીં.