વઢવાણ અને પાટડી સજજડ બંધ, ટોળાંની એસ.ટી.બસમાં તોડફોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પોલીસ દમનના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ઘેરાવો : વઢવાણ અને પાટડી સજજડ બંધ રહ્યા: શહેરના રાજમાર્ગો પર રેલી નીકળી થાનમાં પોલીસ દમનમાં ત્રણ યુવાનોની હત્યા થતા ઝાલાવાડમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગુરુવારે સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા કોંગ્રેસે વિશાળ રેલી યોજીને કલેક્ટર કચેરીમાં ઘેરાવો કર્યો હતો.જ્યારે ડૉ. આંબેડકર ચોક પાસે રોષે ભરાયેલા ટોળા રસ્તા પર ઊતરી આવીને એસ.ટી.બસને નિશાન બનાવી તોડફોડ કરી હતી.થાનમાં પોલીસ દમનના વિરોધમાં વઢવાણ અને પાટડી બંધનું એલાન અપાતા બજારો સજજડ બંધ રહી હતી. થાનમાં દલિતો પર થયેલા પોલીસ અત્યાચારના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયુંહતું.રેલી ડૉ. આંબેડકર ચોકથી રાજમાર્ગો પર ફરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઇ સોલંકીની આગેવાનીમાં દલિતોને ન્યાય માટે માગણી કરવામાં આવી હતી. જેમાં મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા૧૦ લાખ અને ઘાયલને રૂપિયા પ લાખ આપવા તથા જે દલિતોની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે તેમને છોડી મૂકવા માગ કરાઇ હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ ચાર્જમાં રહેલા જામનગર જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરવા ઉપરાંત તમામ ઘટનાની સીબીઆઇ તપાસની માગણી કરી હતી. આ માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઇ છે. થાનમાં પોલીસ દ્વારા અત્યાચાર કરી ત્રણ દલિત યુવાનોના મોત સંદર્ભે દલિત હક્ક રક્ષક સમિતિ અને સફાઇ કામદાર હક્ક રક્ષક સમિતિના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.આ પ્રસંગે નટુભાઇ પરમાર, દિનેશભાઇ સોલંકી, સંદીપ વેગડા સહિતનાઓએ જોડાઇ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. વઢવાણ : થાનમાં પોલીસ દમનના વિરોધમાં વઢવાણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.આથી વઢવાણ શહેર સજજડ બંધ રહ્યું હતું.ધોળીપોળ ખાતે પોલીસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે દલિત આગેવાનોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વઢવાણ શહેરની બજારોમાં દલિત આગેવાનોએ ફરીને ખૂલ્લી દુકાનો બંધ કરાવી હતી.જ્યારે સવારે ૧૦ કલાક પછી શાળાઓ અને હાઇસ્કૂલો પણ બંધ થઇ ગઇ હતી. પાટડી : પાટડીમાં પણ બજાર બંધ રહી હતી. પાટડી તથા આજુબાજુના ગામોના ૧ હજારથી વધુ દલિત ભાઇ-બહેનોએ મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી ત્યારબાદ જવાબદાર પોલીસ કર્મચારીઓને ડીસમીસ કરવા મામલતદારને આવેદન અપાયું હતું.રેલી બાદ બહેનોએ પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં મનહરભાઇ મકવાણા, પી.કે.પરમાર, મણીલાલ પટેલ, રફીકખાન મલેક વગેરે જોડાયા હતા. - દલિતોના ટોળાંનો રોષ એસ.ટી.બસ બની થાનમાં દલિતો પર થયેલા પોલીસ દમનના વિરોધમાં શહેરના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં મૂળી તાલુકાના દિગસરથી સુરેન્દ્રનગર આવતી એસ.ટી.બસ પર વીફરેલા ટોળાએ પથ્થરમારો કરતા બસની આગળ, પાછળ સહિત અનેક બારીઓના કાચ ફોડી નાખ્યા હતા. આ બનાવ અંગે બસના ડ્રાઇવર હરદેવસિંહ સુરૂભા પરમારે ૨૫ થી ૩૦ અજાણ્યા શખ્સો સામે સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે બસને રૂપિયા ૧૫ હજારનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. વી.સી.વાઘેલા ચલાવી રહ્યા છે.