૧૦ લાખના નકલી મોબાઇલ વેચી માર્યા, રાજકોટ તરફ તપાસનો ધમઘમાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેમસંગ કંપનીના સર્વિસ સ્ટેશન સંચાલક સહિત બે શખ્સોએ - બજારમાં વેચી મારેલા મોબાઇલ કબજે કરવા કાર્યવાહી : રાજકોટ તરફ તપાસ જામનગરમાં સેમસંગ કંપનીના ઓથોરાઇઝડ સર્વિસ સ્ટેશનના સંચાલક સહિત બે શખ્સો દ્વારા આચરવામાં આવેલા બનાવટી મોબાઇલ વેચવાના કૌભાંડમાં બજારમાં ધાબડી દીધેલા મોબાઇલ કબ્જે કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બન્ને શખ્સોએ જામનગર અને રાજકોટમાં દસેક લાખની કિંમતના બનાવટી મોબાઇલો વેંચી માર્યાની પોલીસે આશંકા સેવી બન્ને શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. રાજકોટ રેન્જ પોલીસે શહેરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલા સેમસંગ કંપનીના સર્વિસ સ્ટેશન પર દરોડો પાડી સંચાલક હિમાંશુ પટેલ અને કારીગર રિતેષ જયપ્રકાશ પટેલને સેમસંગ કંપનીના બનાવટી મોંઘા મોબાઇલ, આઇપેડ અને ટેબ્લેટ સહિત રૂ.૪.૮૦ લાખની કિંમતના જથ્થા સાથે પકડી પાડ્યા હતાં. બન્ને શખ્સો સામે નોંધાયેલા ગુન્હાના આધારે એસઓજી પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી સાત દિવસના રિમાન્ડ પર લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં બન્ને શખ્સોએ ચાર માસના ગાળામાં અડધો ડઝન મોબાઇલો જામનગર અને રાજકોટમાં વેંચી માર્યા હોવાનું પીઆઇ હડિયાએ જણાવ્યું હતું. જો કે, આધારભૂત સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ બન્ને શખ્સોએ ૧૦ લાખની કિંમતના બનાવટી મોબાઇલો બજારમાં વેંચી માર્યા છે. આ આંકડો અડધા કરોડ સુધી પહોંચવાની આશંકા સેવાઇ રહી છે.