જૂનાગઢમાં આઇ.ટી.નું સર્ચ ઓપરેશન ચોથા દિવસે પણ ચાલુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં બિલ્ડરો, જમીનનાં ધંધાર્થીઓ અને દલાલોને ત્યાં ચાર દિવસથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી ડીસ્કલોઝર જાહેર થયું નથી. પરંતુ કાળા નાણાંનો આંક એક અબજને વટાવી જવાની શક્યતા છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી જમીનનાં આસમાને પહોંચેલા ભાવો પર બાજ નજર રાખનાર આવકવેરા વિભાગે આખરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં દલાલો અને જમીનનાં ધંધાર્થીઓને ત્યાંથી સાટાખતો પકડાયા છે. આ સાટાખતમાં અંકાયેલો જમીનનો ભાવ સબ રજીસ્ટ્રાર કચેરીમાં એ જ જમીન માટે કરાયેલા દસ્તાવેજમાં દર્શાવાયો છે કે નહીં ? તેની વચ્ચે કેટલો તફાવત છે. તેની તપાસ હાથ ધરી તેનાં આધારે કાળા નાણાંની આકારણી આવકવેરા વિભાગ દ્વારા કરાઇ રહી છે. ગઇકાલે એક મોટી હસ્તીને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયા બાદ આજે તેનાં માણાવદર ખાતે આવેલા સંકુલે પણ આઇ.ટી.ની ટીમ ગઇ હોવાની વીગતો પ્રાપ્તથઇ છે. સર્ચ ઓપરેશન દરમ્યાન અંદાજે એક અબજનું ડીસ્કલોઝર બહાર આવવાની ધારણા છે. - જૂનાગઢના આઇટી દરોડા વખતે ચોરાયેલ પોટલું સળગાવી દેવાયું જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગનાં દરોડા ચાલી રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલાં એક બિલ્ડરનાં એકાઉન્ટન્ટને ત્યાંથી આઇ.ટી. ની ટીમે સીઝ કરેલા દસ્તાવેજોનું પોટલું ચોરાઇ ગયું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બિલ્ડરને ઝડપી લીધા બાદ પોટલું ચોરનાર તેનાં ભાઇ સહિત બે શખ્સો પણ ઝડપાઇ ગયા હતા. ચોરાયેલ પોટલું સળગાવી દેવાયાનું પણ જાણવા મળ્યું છે. જૂનાગઢ ખાતે આઇ.ટી. નાં દરોડા દરમ્યાન બિલ્ડર જશુભાઇ વઘાસીયાને ત્યાંથી કબ્જે કરાયેલું દસ્તાવેજોનું પોટલું તેમનાં એકાઉન્ટન્ટનાં ઘરમાંથી ચોરાયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઇ હતી. પોટલું ચોરાવાથી જેમને સીધો ફાયદો થતો હતો એ જશુભાઇની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં તેમણે કબૂલ કર્યું હતું કે, પોતાનાં કહેવાથી પોતાનાં ભાઇ હિંમતભાઇ વઘાસીયાએ પોટલું ચોર્યું હતું. આથી પોલીસે આજે હિંમત વઘાસીયા અને જશુભાઇના સાળા હરેશભાઇ ગોંડલીયાની ધરપકડ કરી હતી. આજે પોલીસે ત્રણેયને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેઓને સોમવારે બપોરે બે વાગ્યા સુધીનાં રીમાન્ડ મંજૂર કર્યા છે.આ અંગે પીએસઆઇ દેકીવાડિયાનાં કહેવા મુજબ, હરેશભાઇએ પોટલા અંગેની માહિતી આપી હતી. આ પ્રકરણમાં પોલીસને બીજા ત્રણ શખ્સો પણ સંડોવાયા હોવાની શંકા છે. દરમ્યાન ચોરાયેલા દસ્તાવેજોવાળું પોટલું આરોપીઓએ સળગાવી દીધાનું જાણવા મળ્યું છે. આ પોટલું જેમના ઘરમાં સળગાવાયું હતું તેઓ પણ પોલીસનાં હાથમાં આવી જનાર હોવાનું પોલીસનું કહેવું છે.