હાલારમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપમાનનો પારો દોઢ ડિગ્રી ઊંચકાયો : પવનના યથાવત જોર વચ્ચે લૂનો પ્રકોપ જામનગર શહેર-જિલ્લામાં અંતિમ ચરણમાં પહોચેલા ઉનાળાએ આક્રમક મિજાજ દર્શાવતા શુક્રવારે ગરમીનો પારો દોઢ ડીગ્રી ઉંચકાયો હતો અને પ્રખર તાપ વચ્ચે લોકોએ અસહ્ય ગરમીનો સામનો કર્યો હતો.સાથે સાથે ભારે પવન વચ્ચે લૂના પ્રકોપથી પણ જનજીવન અકળાયું હતુ. જામનગરમાં ચાલુ વર્ષે મોડા પ્રારંભ બાદ ઉનાળો અંતિમ ચરણમાં પહોચ્યો છે ત્યારે ફરી સુર્યનારાયણએ આકરો મિજાજ દર્શાવતા ગરમીનું જોર વધ્યુ છે.સપ્તાહના પ્રારંભથી ગરમીના પ્રમાણમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ શુક્રવારે મહતમ તાપમાનનો પારો સાડા છત્રીસ ડીગ્રીએ પહોચતા લોકોએ આકરી ગરમી સાથે પ્રખર તાપનો અહેસાસ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પવનનું જોર પણ વધ્યુ છે અને શૂક્રવારે પણ ઝંઝાવાતી પવન ફુંકાતા લોકોએ બપોરે લૂના પ્રકોપનો સામનો કર્યો હતો.ખાસ કરીને બપોરે ધોમધખતા તાપના પગલે માર્ગો પર અવર જવર પણ ઓછી જોવા મળી હતી. ગઇકાલની સરખામણીએ મહતમ તાપમાનનો પારો દોઢ ડીગ્રી ઉંચકાતા પ્રખર તાપ સાથે અસહ્ય ગરમીથી જનજીવન પણ અકળાયું હતુ. જામનગરમાં લધુતમ તાપમાન ૨૭.૬ ડીગ્રી અને મહતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી, પવનની ઝડપ પ્રતિ કલાક ૧૭.૩ કી.મી. અને ભેજનું પ્રમાણ ૭પ ટકા નોંધાયુ હોવાનું કંટ્રોલરૂમે જણાવ્યુ હતુ. ખંભાળિયામાં વંટોળિયો પવન ફૂંકાયો ખંભાળિયા પંથકમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.આશરે ૪૦ કી.મી.ની ઝડપે ફુંકાતા પવનને કારણે ડમરી તેમજ ધુળના રજકણો વાતાવરણમાં પ્રસરી રહ્યા હતા. કચરા સાથેના વંટોળીયાથી નગરજનો-દુકાનદારો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા હતા. જયારે વાતાવરણમાં બફારા વચ્ચે તિવ્ર ગરમીથી આંશિક રાહત અનુભવવામાં આવી હતી.