ગુજરાતીઓ સાવધાન! 'કેસર' કેરી ખાતા પહેલાં વાંચો આ સમાચાર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓર્ગેનિકનાં નામે પણ ક્યારેક ગ્રાહકો છેતરાઇ શકે - ફક્ત દેશી ખાતર આપીને ઉછેરેલા આંબાની કેરીની મીઠાશ પાસે બીજી પાણી ભરે

કેસર કેરીની મોસમ હાલ પૂર બહારમાં ખીલી છે. ત્યારે હવે તો 'ઓર્ગેનિક’ કેસર કેરી ખાવાનો ટ્રેન્ડ મહાનગરોમાં વધ્યો છે. પરંતુ ઓર્ગેનિકને લઇને ક્યારેક ગ્રાહકો છેતરાઇ પણ જતા હોય છે. આંબાને દેશીની સાથે થોડું રાસાયણિક ખાતર આપીને ઉછેરેલા આંબાની કેસર કેરીને પણ ઘણાં વેપારીઓ 'ઓર્ગેનિક’નાં નામે ગ્રાહકોને ધાબડી દેતા હોય છે.

આની સામે એવી દલીલ કરનાર વર્ગ છે જેઓ કહે છે, પ્રમાણભાન રાખીને જો રાસાયણિક અને દેશી એમ બંને ખાતરનો ઉપયોગ કરાય તો ઉત્તમ પરિણામ મળી શકે. આવી કેરી કે પછી અન્ય કોઇપણ ખેત પેદાશની મીઠાશ જુદી જ હોય. કબૂલ, પરંતુ આ સાથે એટલું યે માનવું પડે કે ફક્ત દેશી ખાતર થકી ઉગાડેલા પાકને કોઇ ન પહોંચે.

હા, દેશી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હોય તો ફળનું કદ કદાચ મોટું મળી શકે. પરંતુ તેમાં રાસાયણિકનાં ગુણો તો હોવાનાજ. આ અંગે મેંદરડા પાસેનાં નાની ખોડીયારનાં નતાડીયા રોડ પર આંબાવાડિયું ધરાવતા ખેડૂત રાજુભાઇ નૌતમલાલ પુરોહિ‌ત કહે છે, અમારે ફક્ત સાડા સાત વીધા જમીન છે. જેમાં ક્યારેય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો જ નથી. જોકે, આખા દેશમાં ફક્ત દેશી એટલે કે છાણિયું ખાતર વાપરીને ખેતી થતી હોય એવી જમીનો ખુબજ ઓછી છે.

આવી જમીનો તૈયાર કરવી હોય તો તાકીદે રાસાયણિક ખાતર બંધ કરી તેની જગ્યાએ ફક્ત છાણિયું ખાતર વાપરવાનું શરૂ કરવું જોઇએ. આનો મોટામાં મોટો ફાયદો એ કે યુરિયા કે ડીએપીનો ઉપયોગ દરેક વાવેતર વખતે કરવો પડે છે. એક પાક લીધા પછી જમીનમાંથી તેનો પાવર ચાલ્યો જાય છે. જ્યારે દેશી ખાતર (ફક્ત ગાયનું છાણ ઉત્તમ) નો 'પાવર’ જમીનમાં ત્રણ વર્ષ સુધી અકબંધ રહે છે. જો એક વર્ષે છાણિયું ખાતર જમીનને આપ્યું હોય તો બીજા બે વર્ષ સુધી જમીનની ફળદ્રુપતા અકબંધ રહે.

અને પેદાશનું જે વળતર મળે એના વિશે કાંઇ કહેવાની જરૂર નથી. ખેડૂતને એ ખબર જ હોય છે. પૂરતા ભાવો ન મળવાની અને બીજી બધી સમસ્યાઓને આપોઆપ દેશવટો મળી જાય. અરે, હજુ તો મોલ ખેતરમાં હોય ત્યાં તેનું 'સાટું’ વેપારીઓ કરી જાય. અને એ પણ ત્રણ થી ચાર ગણા ભાવે. રાજુભાઇ વધુમાં કહે છે, અમારી વાડીમાં ૨૦૦ આંબા છે. બે આંબા વચ્ચેની હારમાં અડદ-મગ જેવા કઠોળ પાકોનું પણ વાવેતર કરીએ. આ બધું ફક્ત ઓર્ગેનિક ખેતીથી. આ ૨૦૦ પૈકી ૧૭પ આંબા કેસરનાં, ઉપરાંત ઉત્તર ભારતની દશહરી, રાજાપુરી અને દેશી કેરીનાં પણ અમુક ઝાડ છે.

અમે આંબે મોર આવે એટલે કલ્ટાર નહીં ફક્ત ગૌમૂત્રનો છંટકાવ કરીએ. ગૌમૂત્ર પોષણની સાથોસાથ જંતુનાશકનું પણ કામ કરે. ખાતરમાં પણ ફક્ત જાતે તૈયાર કરેલું ઘન જીવામૃત જ વાપરવાનું. અને પરિણામ ? બજારમાં એક બોક્ષ એટલે કે, ૧૦ કિલોનાં રૂ. ૭૦૦ ઉપજે છે. તેઓ કહે છે, હું જૂનાગઢની સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં શિક્ષક તરીકે નોકરી કરું છું. વળી વૃદ્ધાશ્રમમાં સેવા આપું છું. મારે ગિર બ્રિડની ૧પ ગાયો પણ રાખી છે. બસ, આ ગાયોનું છાણ અને ગૌમૂત્ર મારા માટે પર્યાપ્ત જ નહીં છાણ તો વધે છે.

ઘણાં 'આવું' પણ કરે

રાજુભાઇનાં કહેવા મુજબ, ઘણાં ખેડૂતો ઓર્ગેનિકનો 'ભાવ લેવા’ પ૦ ટકા છાણિયું અને પ૦ ટકા રાસાયણિક ખાતનો ઉપયોગ કરે. તેને તમે ઓર્ગેનિક ખેતી ક્યારેય ન કહી શકાય. હા, એવી કેરીનાં ફળમાં ૧૦૦ ટકા રાસાયણિક કરતાં થોડી મીઠાશ હોય ખરી. પરંતુ તો પછી ૧૦૦ટકા ઓર્ગેનિકમાં વાંધો શો છે ? એવો સવાલ તેઓ કરે છે. રાસાયણિકની ઝંઝટમાં શા માટે પડવું

Related Articles:

તળાજા-સિહોરમાંથી ૧૦પ૦ કિલો કાર્બનયુક્ત કેરી નાશ કરી
કેરી પાડતાં કિશોરને કરંટ લાગતાં આંબા પર ચોંટી ગયો
‘ઝેર’થી કેરી પકવતું ગોડાઉન સીલ
'ઝેરી' કેરી વેચવાનારાઓ પર બોલી ગયો સપાટો: તસવીરો