દિકરીઓ દિકરાની ભૂમિકામાં, પિતાને આપ્યો અગ્નિદાહ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિવૃત આર્મીમેનની પુત્રની ખોટ પુત્રીઓએ પુરી કરી

ધારીમાં આઠ આઠ દિકરીઓના બાપ એવા નિવૃત આર્મીમેન પુનાભાઇ ભાલીયાનું આજે અવસાન થતા તેમની દિકરીઓએ દિકરાની ભુમિકા નીભાવી સદ્દગત બાપના દેહને અગ્નિદાહ આપી સમાજમાં પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

હજુ બાબરામાં જ ગઇકાલે વાળંદ વૃધ્ધાનુ મોત થતા તેમની દિકરીઓએ પુત્રની ભુમિકા નીભાવી સ્મશાનમાં તેમના મૃતદેહને અગ્નિદાહ આપ્યાંની ઘટના તાજી છે ત્યાં આજે આવી જ એક ઘટના ધારી શહેરમાં બની હતી. ધારીની નવી વસાહતમાં રહેતા નિવૃત આર્મીમેન પુનાભાઇ ઉકાભાઇ ભાલીયાનું આજે અવસાન થયું હતું. ખુબ જ સરળ અને શાંત સ્વભાવના પુનાભાઇ તળપદા કોળી સમાજના સેવાભાવી આગેવાન હતા. તેમને સંતાનમાં એકેય દિકરો ન હતો. પરંતુ આઠ દિકરીઓએ આજે દિકરાની આ ખોટ પુરી કરી દીધી હતી.

પુનાભાઇએ અગાઉ એવી ઇચ્છા પણ વ્યક્ત કરેલી કે તેમના અવસાન બાદ દિકરીઓના હાથે અગ્નિદાહ દેવામાં આવે. આજે સવારે અચાનક પેટમાં દુખાવો ઉપડ્યા બાદ તેમનું અવસાન થયું હતું. તેમની પાંચ દિકરી દક્ષાબેન, છાયાબેન, દયાબેન, બાલીબેન તથા ભુમિબેન સ્મશાનમાં જઇ પિતાના દેહને અગ્નિદાહ આપ્યો હતો.