વાહ રે કળિયુગના પિતા, સંતાનોથી વધુ વ્હાલો નશો?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર તાલુકાના ચમારડી ગામે નશો કરવાથી ટેવાયેલા પિતાએ પોતાની પુત્રી પાસેથી પૈસાની માંગણી કરતા પુત્રીએ પૈસા દેવાની ના પાડતા નશાખોર પિતાએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરાને ભાવનગર ખસેડાઇ છે. જયારે આ જ બનાવમાં યમ સમાન બનેલા તેના પિતાને છોડાવવા કુટુંબીજનોએ તેને લમધારતા તેને પણ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની મળેલી વિગત મુજબ વલભીપુર તાલુકાના ચમારડી ગામે ભગવાન ખીમજીભાઇ વણકરની પુત્રી હીરા ઘસવાનુ કામ કરે છે. જેની પાસેથી તેના પિતા ખુદ નશો કરવા અવારનવાર પૈસાની માંગણી કરે છે. દરમ્યાનમાં આજે તેના પિતાએ આ સગીર પુત્રી હેતલ પાસેથી પૈસાની માંગણી કરી હતી. જે આપવાની તેણીએ ના પાડી હતી. આથી તેની સાથે રકઝક કરીને નશાખોર તેના પિતાએ ઉશ્કેરાઇ જઇ તેની લાડકવાયી ઉપર જ હાથમાં છરી લઇ જાનથી મારી નાખવા સવાર થઇ ગયો હતો. આ હિ‌ચકારા હુમલાની જાણ થતા જ આજુબાજુમાં રહેતા તેના કુટુંબીજનો એકઠા થઇ ગયા હતા. અને હેતલને યમરૂપી પિતાથી છોડાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં હેતલ બેભાન બની ગઇ હતી જેથી તુરત તેણીને ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે આ અંગે સારવાર લઇ રહેલ પિતા પુત્રીના બનાવ અંગે અન્ય તર્કવિતર્કો પણ થઇ રહ્યા છે.