લીંબડી તાલુકાના આણંદપુરમાં ગળું કાપી ખેડૂતની હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઘરની ઓસરીના ખાટલામાં લોહીથી લથબથ લાશ પડી હતી લીંબડી તાલુકાના આણંદપુર(ભાલ) ગામે ૬૨ વર્ષના વૃદ્ધ ખેડૂતની કોઇ શખ્સોએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી કરપીણ હત્યા કરી ફરાર થઇ જતાં ચકચાર ફેલાઇ હતી.આ બનાવની જાણ થતા પાણશીણા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ વૃદ્ધની લાશને પી.એમ. માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. લીંબડી તાલુકાના આણંદપર (ભાલ) ગામે રહેતા નારણભાઈ દેવજીભાઈ દંત્રેલીયાનું કોઇ શખ્સોએ ઘાતક હથિયારથી ગળા પર હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, નારાણભાઇ આણંદપુર ગામે પટેલ ફળીમાં શક્તિમાતાજીના મઢ પાસે આવેલા ઘરે એકલવાયું જીવન જીવતા હતાં. તેમના બે પુત્ર ઘણા વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા છે. નારણભાઈ પટેલ આણંદપુર ગામે રહી ખેતીવાડીની દેખરેખ કરતા હતાં. ગુરૂવારે રાત્રે બજારમાંથી બધા વચ્ચેથી ઊઠી ઘરે સૂવા ગયા હતા. બપોર સુધી તે નજરે ન પડતા તેમના કૌટુંબિક ભત્રીજાએ તેમના ઘેર તપાસ કરતા તેમના ઘરની ઓસરીમાં લોહીથી લથબથ ખાટલામાં લાશ પડી હતી. તેમને આ બાબતે આડોશ-પાડોશ તથા તેમના પરિવારજનોને વાત કરતા થોડીવારમાં આખુ ગામ નારણભાઇ પટેલના ઘરે ઊમટી પડ્યું હતું. આ બાબતે પાણશીણા પોલીસ મથકે જાણ કરતા પી.એસ.આઇ. એસ.આર.ઇશરાની, મહેન્દ્રસિંહ જાડેજા, પી.ડી.રાણા, જશુભાઇ, વિજયભાઇ વગેરે આણંદપુર દોડી ગયા હતા. મૃતકની લાશનું તબીબોની પેનલ દ્વારા લીંબડીની સિવીલમાં લઇ જઇ પી.એમ. કરાયું હતું. આ બનાવ સંદર્ભે પ્રેમજીભાઈ પટેલે પિતા નારાણભાઈની કોઇ અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી હોવાની ફરિયાદ પાણશીણા પોલીસ સ્ટેશને નોંધાવી છે. આથી પોલીસે એફ.એસ.એલ. તથા ડોગ સ્કવોડના આધારે હત્યારાનું પગેરૂ દબાવવા વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. - મૃતક વૃદ્ધના ગળામાંથી સોનાની કંઠી ગુમ મૃતકના પુત્ર નરેશભાઇએ જણાવ્યું કે, તેમના પિતાએ હજુ એક સપ્તાહ પૂર્વે જ સોનાની કંઠી બનાવડાવી હતી અને તેઓએ પહેરી હતી. હત્યા બાદ ઘરના રૂમમાં ભીંત કબાટ ખૂલ્લા હતા. પિતાએ મૂકેલા થોડા ઘણા નાણાં યથાવત્ હતા. પરંતુ મૃતકના ગળામાંથી સોનાની કંઠી ગાયબ હતી. જે કોઇએ લૂંટના ઇરાદે પણ હત્યા કરી હોવાની આશંકા ઉપજાવે છે. - આણંદપુર ગામે ઇતિહાસમાં હત્યાનો પ્રથમ બનાવ આણંદપુર ગામના નટવરસંગ પ્રભાતસંગ તથા રમેશભાઈ રામજીભાઇ પટેલે જણાવ્યું કે, અમારા ગામમાં આવો ભારે ગુનો પ્રથમવાર બન્યો છે. મૃતક નારણભાઈ પટેલ વાર તહેવાર પ્રસંગે ગામમાં જરૂરિયાતમંદ પરિવારને ઉપયોગી થતાં હતાં. મૃતક નારણભાઈને કોઇ દિવસ કોઇ સાથે અણબનાવ થયો નથી. છતાં આવા બનાવે અમે સૌ ગ્રામજનોને ચિંતામાં મૂકી દીધા છે.