દેલવાડાનું સરકારી દવાખાનું બિમાર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફ અને તબીબોની ગેરહાજરીથી દર્દીઓ હેરાન-પરેશાન ઊના તાલુકામાં દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઊના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સેવા સાવ કથળી ગયેલી જોવા મળી રહી છે. એમા પણ દેલવાડા આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફ અને તબીબોની ગેરહાજરીથી દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. તાલુકાનાં દેલવાડા ગામે આવેલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે ૧૦થી વધુ ગામો આવરી લેવાયા છે. આ કેન્દ્રનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૬નો હોવાથી દર્દીઓ પરેશાનીમાં મૂકાય છે. બપોર બાદ કોઇ ઇમરજન્સી કેસ આવે છે ત્યારે ડોક્ટર ગેરહાજર હોય છે. આજે જ બનેલા એક બનાવમાં એક માસુમ બાળક સીડી પરથી પડી જતા તેને લોહી લુહાણ હાલતમાં આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવેલ પરંતુ ડોક્ટર હાજર ન હતા. આ સમયે આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી બહેનોની મીટિંગ ચાલતી હતી અને તેમને ડોક્ટરનું પુછવામાં આવતા આ સમય ડોક્ટરનો આરામનો હોવાથી મળી શકશે નહી અને સાંજે ૪ વાગ્યે આવશે તેવો જવાબ મળતા લોકોમાં રોષની લાગણી છવાઇ હતી. આ આરોગ્ય કેન્દ્રની સેવા સુધારવા સરપંચ વિજયભાઇ બાંભણીયાએ આરોગ્ય વિભાગ જૂનાગઢને અનેકવાર લેખિતમાં રજૂઆત કરવા છતા કોઇ ધ્યાન અપાતુ નથી. આરોગ્ય કેન્દ્ર રામભરોસે : આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરતા તબીબનાં રૂમ પર અલીગઢી તાળુ જોવા મળ્યુ હતુ તેમજ દર્દીને બેસવાની જગ્યાએ ઇન્જેકશન સહિતની વસ્તુઓ પડી હતી. આ વસ્તુઓ કોઇ લઇ જાય અથવા ચોરી થઇ જાય તો કોની જવાબદારી ? તેવા સવાલ પણ ઉઠ્યા છે. બપોરનાં સમયે સ્ટાફ ગેરહાજર : આરોગ્ય કેન્દ્રમાં બપોરનાં સમયે ડોક્ટર ઉપરાંત અન્ય સ્ટાફ પણ ગેરહાજર જોવા મળે છે. જવાબદાર સ્ટાફ ન હોવાથી આવતા દર્દીઓને સંતોષકારક જવાબ મળતો ન હોય હાલાકી ભોગવવી પડે છે.