રાજુલાના આહિર યુવાન સાથે ૧૧.૯૫ લાખની છેતરપીંડી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજકોટ અને દિલ્હીના શખ્સો મહિન્દ્રા કાર અપાવવાની લાલચ આપી રકમ ચાંઉ કરી ગયા રાજુલાના એક આહિર યુવાનને રાજકોટના કુમાર પટેલ તથા દિલ્હીના એક શખ્સે મહિન્દ્રા ગાડી અપાવવાના બહાને રૂ. ૧૧.૯૫ લાખની રકમ લઇ બાદમાં ગાડી કે પૈસા નહી આપી છેતરપીંડી આચરતા બન્ને સામે રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. રાજુલાના કૃષ્ણ નગરમાં રહેતા નાથુભાઇ દેવાયતભાઇ સોલંકી નામના આહિર યુવાને રાજકોટમાં ભુતખાના ચોકમાં રાજવી એસોસીએટસ ચલાવતા કુમાર પટેલ તથા દિલ્હીના સંજય વિરમાણી નામના શખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસ ફરીયાદમાં તેમણે જણાવ્યુ છે કે કુમાર પટેલે તેને ખાતરી આપી હતી કે દિલ્હીના સંજય વિરમાણી પાસેથી તે મહીન્દ્રા ગાડી અપાવશે. મહીન્દ્રા કંપનીની એક્સયુવી ૫૦૦ કાર માટે તેણે રૂ. ૧૧૯૫૪૫૦ ની રકમ જમા કરાવી હતી. ત્યારબાદ બન્નેએ તેને નિયત સમયે કારની ડીલીવરી આપી ન હતી. એટલુ જ નહી નાણા પણ પરત આપ્યા ન હતાં. આમ છેતરપીંડીનો ભોગ બન્યાની જાણ થતા આખરે નાથુભાઇ સોલંકીએ આ બારામાં બન્ને સામે રાજુલા પોલીસમાં ફરીયાદ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી પોલીસે સૌરાષ્ટ્રમાં આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી કરનાર કુમાર પટેલની હાલમાં ધરપકડ કરી છે.