જામનગર હોસ્પિટલમાં બની ફિલ્મ જેવી ઘટના: વાંચો, ચોંકી જશો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગાયનેક વિભાગના કર્મચારીઓની લાપરવાહીને કારણે સર્જાઇ સમસ્યા: લાંબી કવાયત બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું

જામનગરની જી.જી. હોસ્પિટલમાં બાળકો બદલાઇ જતાં ડખ્ખો થયો હતો. ગાયનેક વિભાગના કર્મચારીઓની લાપરવાહીને કારણે આ સમસ્યા સર્જાઇ હતી. જો કે, આખરે ઘી ના ઠામમાં ઘી પડી જતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. બાળકો બદલાઇ જવાના ચોંકાવનારા બનાવની વિગત એવી છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રસુતિ માટે ગઇકાલે બપોરે એક વાગ્યાની આસપાસ દિવ્યાબા મહેન્દ્રસિંહ જાડેજા (રે.લાલપુર) અને દિવ્યાબેન હરેશભાઇ દવે (રે. પોરબંદર) દાખલ થયા હતાં. આથી બન્નેને મહિલાઓને ડીલીવરી વોર્ડમાં લઇ જવામાં આવી હતી. જ્યાં પાંચ-પાંચ મિનિટના અંતરે બન્ને મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં દિવ્યાબાએ બાબાને અને દિવ્યાબેને બેબીને જન્મ આપ્યો હતો. પરંતુ ફરજ પરની મહિલા કર્મચારીએ દિવ્યાબાના પરિવારજનોને દિવ્યાબાએ બેબીને જન્મ આપ્યો છે તેમ જણાવી બેબી સોંપી દીધી હતી.

રાત્રીના સમયે તબીબો નિયમ મુજબ રાઉન્ડમાં નીકળતાં તેમણે દિવ્યાબાએ બાબાને જન્મ આપ્યો હોવાનું અને રજીસ્ટરમાં તેની નોંધ પણ મોજુદ હોવાનું જણાવ્યું હતું. જેથી બન્ને મહિલાના પરિવારજનો વચ્ચે ડખ્ખો સર્જાયો હતો. ડોક્ટરોના જણાવ્યા બાદ અને રજીસ્ટરમાં નોંધ હોવા છતાં દિવ્યાબેને બેબીને બદલે બાબાને જન્મ આપ્યો હોવાનું તેમના પરિવારજનોએ સતત રટણ ચાલુ રાખતા આ સમગ્ર મામલો ગાયનેક વિભાગના ઇન્ચાર્જ સુપ્રિ. ડૉ. પરમાર પાસે પહોંચ્યો હતો. આથી તેમણે બન્ને માતાને બોલાવી પ્રથમ તેમના નિવેદન લીધા હતાં. બાદમાં બન્ને પતિ-પિત્નઓના લોહીના નમુના પણ લીધા હતાં. આટલું જ નહીં, બન્ને માતાઓની ડીલીવરી દરમિયાન ફરજ પર રહેલા ગાયનેક વિભાગના સ્ટાફને બોલાવી તેઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતાં. આમ છતાં આ ગુંચ ઉકેલાઇ ન હતી.

આખરે આજે સવારે બન્ને જ્ઞાતિના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. જેના પ્રયાસો બાદ મામલો થાળે પડયો હતો અને દિવ્યાબાને બાળક અને દિવ્યાબેનને બાળકી સોંપી દેવામાં આવતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અત્રે નોંધનિય છે કે, આ બનાવ હોસ્પિટલના ગાયનેક વિભાગના ફરજ પરના કર્મચારીઓની બેદરકારીને કારણે બન્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ત્યારે આ બનાવ અંગે જે સમયે આ બન્ને માતાઓની ડીલીવરી કરવામાં આવી તે સમયે ફરજ પર રહેલાં ગાયનેક વિભાગના જવાબદાર ડોક્ટરોનો સંપર્ક કરવામાં આવતાં તેમણે બનાવ પર ઢાંકપીછોડો કરી ગલ્લાં-તલ્લાં કર્યા હતાં