કૂતરાંથી બચવા બાળકી દોડી પણ રેલવે ટ્રેક પર પટકાતાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માળીયાનાં ઝડકા ગામની બાળકી કચરો ફેંકવા ગઇ અને જીવ ગુમાવ્યો માળીયા હાટીનાનાં ઝડકા ગામની એક મુસ્લિમ બાળકી કચરો ફેંકવા ગઇ હતી. ત્યારે તેની પાછળ કુતરાઓ પડતા તેનાથી બચવા બાળકીએ દોટ મૂકી હતી. પરંતુ દોડતી બાળકી બાજુમાંથી ઝડપથી પસાર થતી ટ્રેનની હવાથી ફંગોળાતા નજીકમાં પડેલા રેલવે ટ્રેકનાં સલેપાટ સાથે તેનું માથુ અથડાયુ હોય સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. આ વિચિત્ર અકસ્માતની મળતી વિગત મુજબ માળીયા હાટીનાનાં ઝડકા ગામે રહેતી રેહાનાબેન હુસેનભાઇ લાખા (ઉ.વ.૯)ની ગત સાંજનાં સુમારે ઘરનો કચરો ફેંકવા રેલવે ટ્રેકની નજીક ગઇ હતી. ત્યારે ત્યાં રહેલા કુતરાઓ કચરો ફેંકવા આવેલી રેહાનાની પાછળ દોટ મૂકી હતી. ભસતા કુતરાઓનું ઝૂંડ પાછળ પડ્યુંુ હોય રેહાના એકદમ ગભરાઇ ગઇ હતી અને કુતરાઓથી બચવા તે ભાગવા લાગી હતી. રેહાનાએ કુતરાઓથી બચવા દોટ મૂકી તે દરમિયાન જ બાજુમાં રહેલા ટ્રેક પર ધસમસતી ટ્રેન પસાર થઇ હતી. ઝડપથી પસાર થતી ટ્રેનની હવાથી રેહાના ફંગોળાઇ હતી અને સમતુલા ગુમાવતા રેલવે ટ્રેકની બાજુમાં પડેલા સિમેન્ટનાં સલેપાટમાં તે પછડાઇ હતી. કુતરાઓનાં ડરથી દોડી રહેલી રેહાનાને ટ્રેનની હવા અચાનક જ લાગતા તે સલેપાટ પડી હોય તેના જમણા કાનનાં નીચેનાં ભાગમાં તેમજ માથામાં સલેપાટ લાગવાથી ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ જોનારા લોકો તાત્કાલીક રેહાનાને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન રેહાનાએ દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘરકામમાં માતાને મદદ કરતી બાળકીને સાવ અચાનક જ મોત મળતા નાના એવા ઝડકા ગામમાં પણ અરેરાટીની લાગણી છવાઇ છે. આ બનાવની વધુ તપાસ માળીયા પોલીસે હાથ ધરી છે.