જામનગરમાં બેનંબરી શાળાઓનું કારસ્તાન, ચિકિંગનો ધમધામટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇન્ટરનેશનલ શાળાના ઓઠા તળે ગેરકાયદે ટયુશન કલાસ, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ ખંભાળિયા નજીક ઇન્ટરનેશનલ શાળાનાં ઓઠા હેઠળ ચાલતા ગેરકાયદે ટયુશનનાં હાટડા પર જિલ્લા શિક્ષણતંત્રએ તપાસ હાથ ધરી છે. ખંભાળિયા તાલુકા ઉપરાંત જામનગર જિલ્લામાં મંજૂરી વગર નોન ગ્રાંટેડ કે મજૂર થયેલી શાળાઓમાં એલ.સી. રાખીને, માધ્યમિક શાળાઓમાં ગમે તે સ્થળે હોસ્ટેલ તથા બોર્ડ લગાવ્યા બાદ ભૂતિયા વિદ્યાર્થીઓ રાખીને મંજૂરી વગર બે નંબર જેવી શાળાઓ ચાલતી હોવાનું જામનગર જિલ્લા શિક્ષણાધિકારી બી.બી. રાઠોડના ધ્યાનમાં આવતાં તેમના દ્વારા આ પ્રકારની ખાનગી શાળાઓમાં ચેકીગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભૂતિયા વિદ્યાર્થીઓ ચલાવતા લેભાગુ કેળવણીકારોના પગતળે રેલો આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય જેવા વિસ્તારોમાં મોટા-મોટા છાત્રાલયો ખોલી ઇન્ટરનેશનલ અને આઇએસઓ પ્રમાણિત જેવા રૂપકડા નામો આપીને ધોરણ નવથી અગીયારમાં વિદ્યાર્થીઓની ભરતી કરાય છે. જ્યારે આવા વિદ્યાર્થીઓના લીવીંગ સર્ટી. અન્ય શાળાઓમાં રાખી, ત્યાં તેઓના નામની નોંધણી કરાય છે. જ્યારે આ વિદ્યાર્થીઓને રખાય છે બોગસ મંજૂરી વગરના છાત્રાલયોમાં !! આવા કૌભાંડમાં તાજેતરમાં એક ઇન્ટરનેશનલ નામ વાળી શાળામાં પણ આ પ્રકારનું કૌભાંડ પ્રકાશમાં આવતા ભારે ચકચાર જગાવી છે. પોરબંદર રોડ પર ઇન્ટરનેશનલ સ્કૂલના બોર્ડ મારી એક ખાનગી શાળા ચાલતી હોવાની માહિતી જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને મળતાં તેમના દ્વારા આ કહેવાતી શાળામાં ચેકીગ હાથ ધરાયું હતું. અધિકારી દ્વારા સંચાલક પાસે જનરલ રજીસ્ટર માંગવામાં આવતા ગલ્લા-તલ્લા કરાયા હતાં અને અહીં તો અમે ટયુશન કલાસીસ ચલાવીએ છીએ !! તેમ જણાવ્યું હતું જો કે શિક્ષકો બાબતે પુછપરછ કરાતાં આ બાબતે સતાવાળાઓને સંતોષકારક પ્રતિભાવો સાંપડ્યા ન હોવાનું પણ જાણવા મળેલ છે. કલ્યાણપુર તાલુકામાં ઇન્ટરનેશનલના કહેવાતા નામથી ચાલતી શાળામાં પણ આ પ્રકારે જ ટયુશન કલાસ નીકળી પડતાં વાલીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડક પગલાની માંગણી સાથે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરાયેલ હોવાનું પણ જાણવા મળેલ છે.