જાલીનોટ કૌભાંડના બંને આરોપી ૧૦ દી’ના રિમાન્ડ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વીજપડીમાંથી ઝડપાયેલા નોટ કૌભાંડની તપાસ એસઓજીને અપાઇ સાવરકુંડલા તાલુકા પોલીસે ગઇકાલે જાલીનોટ કૌભાંડમાં વિજપડીના બે શખ્સોની ધરપકડ કરી એએસપી ઓફિસના કલાર્ક સહિ‌ત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યા બાદ આજે ઝડપાયેલા બંને શખ્સોને અદાલતમાં રજુ કરી દસ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. સાવરકુંડલા પંથકમાંથી પકડાયેલા જાલીનોટ કૌભાંડના મુળ સુધી પહોંચવા પોલીસ દ્રારા ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરાઇ છે. જાલીનોટ કૌભાંડમાં ઝડપાયેલા બંને આરોપીને પોલીસ દ્રારા દસ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ગઇકાલે સાવરકુંડલા તાલુકા પોલીસે વિજપડી ગામના દિલાવર નનુ ચૌહાણ (ઉ.વ.૩૭) અને રમઝાન બહાઉદીન શમા (ઉ.વ.૨૮) નામના શખ્સોની રૂ. ૧ હજારના દરની ૧૨ અને રૂ. પ૦૦ ના દરની ૧ એમ ૧૩ બનાવટી નોટ સાથે ધરપકડ કરી હતી. બંને શખ્સોની પુછપરછ દરમિયાન તેઓ સાવરકુંડલા એએસપી કચેરીના કલાર્ક કે જે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાનો દુરનો ભાણેજ પણ થાય છે. તે જે.વી.પટેલ સાથે મળી દ્રારકાના ગફારશા ભીખુશા ફકીર પાસેથી જાલીનોટો લાવી ચલણમાં વહેતી મુકતા હોવાનુ કબુલ કર્યુ હતુ. અત્યાર સુધીમાં આ ત્રણેય શખ્સોએ ગફારશા ફકીર પાસેથી રૂ. પ.૩૦ લાખની બનાવટી નોટ લાવી ચલણમાં વહેતી પણ મુકી દીધી હતી. જયારે ૧૩ નોટ બાકી બચી હતી તે સમયે જ સાવરકુંડલા તાલુકા પોલીસના હાથ તેના સુધી પહોંચી ગયા હતા. દરમિયાન પીએસઆઇજાડેજા દ્રારા બંને આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવ્યા હતા. અદાલત દ્રારા બંનેના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસ દ્રારા હવે એએસપી કચેરીના કલાર્ક જે.વી.પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.