બાર કાઉન્સિલના પ્રમુખપદે બી.એલ.જોષી ચૂંટાઈ આવ્યા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં વકીલ મંડળ ભાવનગર બાર કાઉન્સીલની રસાકસીભરી ચૂંટણી આજે યોજાઈ હતી અને તેમાં બી.એલ. જોષી પ્રમુખપદે વિજેતા જાહેર થયા હતા. ભાવનગર વકિલ મંડળમાં કુલ ૬૨૨ મતદારો છે તેમાં પ૦૩ સભ્યોએ મતદાન કર્યું હતું અને ૩૭ મત અમાન્ય ઠર્યાં હતાં. મતગણતરી થયા બાદ બી.એલ. જોષીને ૧૬૬ અને તેમના હરીફ ધર્મેન્દ્ર ડાભીને ૧પ૯ મત મળતા બી.એલ. જોષીને ૭ મતની સરસાઈથી રસાકસીભર્યો વિજય થયો હતો.

આજે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થતાં ઉપપ્રમુખપદે હિે‌તેશ શાહ, મંત્રીપદે પરેશ શાહ અને કૌશિક મહેતા તેમજ ટ્રેઝરરપદે કલ્પેશ બાયડને વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં હતાં. બી.એલ. જોષી સાતમી વખત ભાવનગર બાર કાઉન્સીલનાં પ્રમુખપદે ચૂંટાઈ આવ્યાં છે. એક તબક્કે રદ કરેલા મતોનું રિકાઉન્ટીંગ ધર્મેન્દ્ર ડાભીએ માગતા રોમાંચક વાતાવરણ થયું હતું પણ જે મતો રદ કર્યાં હોય, અમાન્ય ઠર્યાં હોય તે તમામ વ્યાજબી રીતે જ રદ કરેલા નિકળતા બી.એલ.જોષીને વિજેતા જાહેર કરાયા હતા. આજે ચૂંટણીમાં અધિકારી તરીકે જે.ડી. સરવૈયા, ઉત્પલભાઈ દવે, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નિશાંતભાઈ આકોલકર અને દીપક પંડયાએ ફરજ બજાવી હતી.