કોડીનારનાં મિતીયાજ ગામની સગીરાની બે શખ્સોએ છેડતી કરી કનડગત કરતા હોય તેની માતા ઠપકો આપવા જતા આઠ શખ્સોએ મહિલા પર હુમલો કરી અશ્લિલ વર્તન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે.
આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ કોડીનાર તાલુકાનાં મિતીયાજ ગામે રહેતા રાજાભાઇ રામશીભાઇ આહિરની ચૌદ વર્ષની પુત્રી ગત સાંજનાં દૂધ દેવા અને દરણું લેવા નીકળી હતી. ત્યારે ગામનાં જ ઉદય જગમાલ કારડીયા અને નગીન ધીરૂએ તેની છેડતી કરી કનડગત કરી હતી.
જે અંગે સગીરાએ તેની માતા કડવીબેનને જાણ કરી હતી. જેથી કડવીબેન આ શખ્સોને ઠપકો આપવા માટે ગયા હતા. જ્યાં ઉદય જગમાલ કારડીયા, નગીન ધીરૂ, લખુ ભીખા, સુભાષ જગમાલ, વિજય જીણા, ભૂપત રાણા, હરી સામત અને માનસીંગ વિરભાણે ગેરકાયદે મંડળી રચી ઠપકો આપવા આવેલા કડવીબેનનું બાવડુ પકડી લઇ તેની સાથે પણ અશ્લિલ વર્તન કર્યુ હતુ.
તેમજ કડવીબેનનાં પુત્રને મારી નાંખવાની ધમકી આપી હોવાની મહિલાએ કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.પી.ગાધેરે રાયોટીંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવથી નાના એવા મિતીયાજ ગામમાં ભારે ચકચાર જાગી છે.