કડીયાળી નજીક ૧૦૮ એમ્બ્યુલન્સે બે સાયકલ સવારોને હડફેટે લીધા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અકસ્માતમા ઘાયલ યુવાનને લેવા જતી એમ્બ્યુલન્સે બેને ઘાયલ કરી દીધા જાફરાબાદ કડીયાળી રોડ પર આજે સવારે નવેક વાગ્યે અકસ્માતના દર્દીને લેવા જઇ રહેલી જાફરાબાદની ૧૦૮ એમ્બ્યુલન્સે જુદાજુદા બે સાયકલ સવારોને હડફેટે લેતા બન્નેને ઇજા થવાથી સારવાર માટે દવાખાને ખસેડાયા છે. જે પૈકી એકની હાલત નાજુક હોય વધુ સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો છે. અકસ્માતની આ ઘટના આજે સવારે જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામથી એકાદ કીમી દૂર જાફરાબાદ રોડ પર બની હતી. જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામ પાસે સવારે એક મોટરસાયકલ ચાલક નીલગાય સાથે અથડાઇ પડયો હતો. આ અકસ્માતની જાણ થતા રાજુલાની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘાયલને લેવા માટે ધોળાદ્રી જવા નીકળી હતી. આ એમ્બ્યુલન્સ કડીયાળી ગામ નજીક પહોંચી ત્યારે બે સાયકલ પર જઇ રહેલા બે સાયકલ સવારોને હડફેટે લીધા હતાં. જેને પગલે બન્ને સાયકલ સવારો ફંગોળાઇને ખાળીયામાં ખાબક્યા હતાં. આ અકસ્માતમાં કડીયાળી ગામના પ્રવીણભાઇ અરજણભાઇ સહીત બે યુવાનોને ઇજા પહોંચી હતી.બન્નેને સારવાર માટે પ્રથમ જાફરાબાદ દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રવણની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બારામાં જો કે મોડે સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.બન્ને સાયકલ સવારો રાત્રે વડેરા ગામે રામાપીરનુ આખ્યાન જોવા ગયાં હતા. અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.