બોલિવૂડની નકલ છોડશે તો જ ગુજરાતી ફિલ્મ ટકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીએ રા’નવઘણ અને જેસલ જાડેજાની યાદ તાજી કરી હતી

હિ‌ન્દી ફિલ્મની નકલ છોડશે તો જ ગુજરાતી ફિલ્મ ટકી શકશે. મે ગુજરાતી ફિલ્મમાં અભિનય નથી કર્યા પરંતુ ગુજરાતી ફિલ્મમાં જીવન જીવ્યો છું. આ શબ્દો છે ગુજરાતી ફિલ્મનાં જાજરમાન કલાકાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનાં. વઢવાણ મેડિકલ હોલ ખાતે ગુરૂવારની રાત્રિના સમયે ઝવેરચંદ મેઘાણી લિખિત અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અભિનીત ચારણ દંપતીનાં પ્રેમ-વિજોગની અમર કથા પર આધારીત 'રતન ગિયું રોળ’ નામનું નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે સુરેન્દ્રનગરમાં આવેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ પત્રકારો સાથે જુવાનીનાં દિવસો, ફિલ્મના શૂટિંગ, તલવારોની બાકાઝીંકી અને ઘોડાનાં હણહણાટ સાથે થતા ગુજરાતી ફિલ્મનાં શૂટિંગની યાદ તાજી કરી હતી.

ગુજરાતી ફિલ્મની વાત આવે એટલે જેસલતોરલ, રા’નવઘણ, વીર માંગડાવાળો જેવા પાત્રોમાં આબેહૂબ અભિનય આપી ગુજરાતી ફિલ્મ જગતને એક નવી દિશા આપનાર ઉપેન્દ્રભાઇ ત્રિવેદીનું નામ અચૂક યાદ આવે. ૭૭ વર્ષની જૈફ વયે વ્યક્તિ જ્યારે લાકડીના ટેકે ચાલતો હોય ત્યારે કલાના ઉપાસક એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનાં અવાજમાં આજે પણ એજ જેસલ જાડેજાનો હાકોટો, રા’નવઘણની વીરતા અને એ જ જુવાનીનો તરવરાટ જોવા મળે છે. મેં ગુજરાતી ફિલ્મમાં અભિનય નથી કર્યો પરંતુ હું ગુજરાતી ફિલ્મમાં જીવ્યો છું. તેમને ગુજરાતી ફિલ્મ જગતમાં વાતીવેલા સમયના અનુભવના શબ્દો જ તેમના અને ફિલ્મ જગત માટે ઘણુ કહી જાય છે.

ગુજરાત રાજય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ તથા ગુજરાત રાજય સંગીત-નાટક અકાદમીના સહયોગથી આજે મેડિકલ હોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. જેમાં યોગેશભાઈ ગઢવી, શાબુદ્દીનભાઇ રાઠોડ, ડો. જગદીશ ત્રિવેદી સહિ‌તનાં શહેરના કલા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. અજયસિંહ ગોહિ‌લ, યોગેશભાઈ દવે, ગીરીશદાન ગઢવી સહિ‌તનાં કલાપ્રેમીઓ પ્રયાસો કરી રહ્યાં છે.

ટેલેન્ટેડ કલાકારો ગુજરાતી ફિલ્મ કરવા તૈયાર થતાં નથી

૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, હું જે પાત્ર ભજવતો તેમાં ઓતપ્રોત થઇ જતો તેના વિશે તમામ માહિ‌તી મેળવતો. ગામડા ખૂંદતો અને પછી અભિનય કરતો. આથી મારા પાત્રો જીવંત લાગતા હતાં. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. ટેલેન્ટેડ કલાકારો ગુજરાતી ફિલ્મ કરવા તૈયાર થતા નથી. ગુજરાતી ભાષા સાથે જેને પ્રિત નથી તેવા કલાકારો આજે આવે છે. અને આથી જ લોકોને ફિલ્મોમાં પ્રિત રહેતી નથી. ધરતી સાથે મહોબ્બત, ભાષા સાથે પ્રેમ અને આંગળી પણ ન ચીંધી શકાય તેવુ ચારિત્ર્ય હોય તો જ લોકોનાં હૃદયમાં સ્થાન મેળવી શકાય છે. ગુજરાતી ફિલ્મી જગતની અનેક યાદ તાજી કરી હતી.