વઢવાણ માર્કેટયાર્ડની ચૂંટણી બાદ પણ ગ્રહણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આચારસંહિ‌તા અને હારેલા ઉમેદવાર નિયામકમાં જતા ગ્રહણ
- એજન્ડો બહાર ન પડતા અનેક તર્ક-વર્તિકો


વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના મહારથીઓને ધોબી પછાડ આપીને સત્તાધારી પેનલનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે આ પરિણામને એક મહિ‌નો થવા છતાં એજન્ડો બહાર ન પડતા અનેક તર્ક-વર્તિકો સર્જા‍યા છે. બીજી તરફ સિંદરી બળે પણ વળ ન છૂટે તે કહેવત અનુસાર ચૂંટણીમાં હારેલા આઠ ઉમેદવારોએ સાત-આઠ મુદ્દા પર નિયામકમાં ગયા છે. ત્યારે ચૂંટણી આચાર સંહિ‌તના ગ્રહણમાં જીતેલા ઉમેદવારો ગેઝેટ અને એજન્ડાની મીટ માંડીને બેઠા છે.

વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાં જ મતદાર યાદી બાબતે કોર્ટનો સીલસીલો શરૂ થયો હતો. પરંતુ અંતે ૧૪ ડિરેકટરોની ચૂંટણી યોજાતા ભારે રસાકસી જામી હતી.
જેમાં સત્તાધારી પક્ષના વર્તમાન ચેરમેન રામજીભાઈ ગોહિ‌લની પેનલનો વિજય થયો હતો. આ પરિણામને એક મહિ‌નો થવા છતાં એજન્ડો બહાર ન પડતા અનેક તર્ક-વર્તિકો સર્જા‍યા હતાં. ત્યારે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં આચાર સંહિ‌તાનું ગ્રહણ લાગ્યુ હતું.

બીજી તરફ આ ચૂંટણીમાં હારેલા આઠ ઉમેદવારો સાતથી વધુ મુદ્દાઓ લઇને ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર નિયામક સમક્ષ અપીલમાં ગયા છે. આથી તેઓને ૧૧ જૂનની મુદત પણ આપવામાં આવી છે. આમ સુરેન્દ્રનગર જિલ્લાના સહકારી ક્ષેત્રના મહારથીઓને ધોબી પછાડ મળવા છતાં સિંદરી બળે પણ વળ ન છૂટે તેઓ ઘાટ સર્જા‍યો છે. જ્યારે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો ગેઝેટમાં નામ આવી જતાં એજન્ડા પર મીટ માંડીને બેઠા છે. હાલ વઢવાણ માર્કેટ યાર્ડમાં લાખો રૂપિયાના કામકાજને અસર થઇ રહી છે. જ્યારે ખેડૂતો અને વેપારીઓ નવી બોડી કાર્યરત થાય તેમ ઇચ્છી રહ્યાં છે. ત્યારે વઢવાણ પંથકનાં હજારો ખેડૂતો અને સુરેન્દ્રનગર અને વઢવાણના વેપારીઓના હિ‌તમાં કામગીરી પૂર ઝડપે થાય તેવી લાગણીઅને માંગણી ઉઠી છે.

પેટા ચૂંટણીઓ બાદ ચેરમેન -વાઇસ ચેરમેનોનો એજન્ડો બહાર પડશે

વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જીતેલા ૧૪ ડિરેકટરોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ગયા છે. પરંતુ હાલ વિધાનસભા સહિ‌તની પેટા ચૂંટણીની આચાર સંહિ‌તાનું ગ્રહણ લાગ્યું છે. આથી આ પેટા ચૂંટણીઓ બાદ વઢવાણ યાર્ડનાં ચેરમેન અને વાઇસ ચેરમેનનો એજન્ડા બહાર પડશે તેમ સુરેન્દ્રનગર સહકારી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આથી સહકારી ક્ષેત્રે હાલ ગરમાવો ફેલાયો છે.