ઘરશાળા ટ્રસ્ટની કરોડોની જમીન લાખોમાં વેચવાનો કારસો !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આઠ એકરથી વધુની જમીન રૂ.૫૪ લાખમાં વેચાણ માટેની તજવીજ કરાઈ !

મહાત્મા ગાંધીજીના આર્દશો અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વઢવાણ કેળવણી મંડળ દ્વારા ઘરશાળાની સ્થાપના થઇ હતી.આ કેળવણી મંડળની કરોડો રૂપિયાની જમીન રૂ.૫૪ લાખમાં વેંચવાનો કારસો ઘડાયાની વિગતો બહાર આવી છે ત્યારે હરાજી દ્વારા કરોડો રૂપિયા મેળવી ગરીબ અને પછાત બાળકોના શિક્ષણ માટે આ જમીનનો ઉપયોગ થાય તેવી લાગણી અને માંગણી ઊભી થઇ છે.આ અંગે જાગૃત લોકો દ્વારા લેખિત રજુઆત કરી આ કાર્યવાહી અટકાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

આઝાદી પહેલા મહાત્મા ગાંધીજીના આર્દશોને ધ્યાને લઇને ગરીબ વિદ્યાર્થીઓ માટે વઢવાણ કેળવણી મંડળની સ્થાપના થઇ હતી. વઢવાણ કેળવણી મંડળ દ્વારા ઘરશાળા, દાજીરાજ હાઇસ્કૂલ સહિત શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરાઇ છે ત્યારે ગરીબ બાળકોના શિક્ષણ માટે આ સંસ્થાને જમીન પણ મળી હતી. પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી વઢવાણ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા કરોડો રૂપિયાની જમીન પાણીના મૂલે વેંચવા કાઢવામાં આવી છે.વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર ઘરશાળા પાસેની જમીનનાં વેચાણ અંગે વિરોધ થતાં કાર્યવાહી અટકાવાઇ છે.

જ્યારે રાજકોટ બાયપાસ રોડ પર ગણપતિ ફાટસર પાસે આવેલી સર્વે નં. ૧૫૮૬ પૈકી-૧ કુલ ૩-૪૩-૯૮ હેકટર જમીન વેચાણની તજવીજ હાથ ધરાઇ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ જમીનના ભાવો ભડકે બળી રહ્યાં છે ત્યારે ૮ એકર અને ૨૦ ગૂંઠા જમીન માત્ર રૂ.૫૫ લાખમાં વેંચી દેવાનો કારસો ઘડાયો છે.આ કરોડો રૂપિયાની જમીન વેંચી દેવા રાજકોટ ચેરિટી કમિશનર કચેરીમાં વઢવાણ કેળવણી મંડળે લેખિત અરજી કરી છે.

આથી આ અંગે રાજકોટ ચેરિટી કમિશનર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરાયાની વિગતો પ્રાપ્ત થઇ છે ત્યારે વઢવાણ શહેરમાં અને શિક્ષણ જગતમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વઢવાણ કેળવણી મંડળને આર્થિક જરૂરિયાત હોય આ જમીનની જાહેર હરાજી કરીને કરોડો રૂપિયા મળે તેમ છે ત્યારે ગાંધીજીના આર્દશો અને ગરીબ બાળકોના હિત માટે આ અંગે ટ્રસ્ટીઓ પગલાં લે તેવી લાગણી અને માગણી છે.

આ અંગે ઇન્ચાર્જ રાજકોટ ચેરીટી કમિશનર સી.જે.પટેલે જણાવ્યું કે, વઢવાણ કેળવણી મંડળે આ જમીનના વેચાણ માટે લેખિત અરજી કરી છે. આથી કોઇ ઇસમોને વાંધો હોય તો તા. ૮-૨-૨૦૧૩ના રોજ ૧૨-૦૦ કલાકે રાજકોટ કચેરી ખાતે હાજર રહી શકે છે.આ અંગે વઢવાણ કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઇ આચાર્ય અને મંત્રી રતિલાલ ભડાણિયાએ જણાવ્યું કે, આ જમીન અંગે અરજી કરી છે.પંરતુ રાજકોટ ચેરીટી કચેરી દ્વારા આ કાર્યવાહી યોગ્ય રીતે થતી નથી. અમારી માગણી છે કે,હાલની બજાર કિંમતે જાહેર હરાજી કરવામાં આવે.

- ૨૦૦૪માં આ જમીનની હરાજી પણ થઇ હતી

૨૦૦૧માં આ કરોડો રૂપિયાની જમીનનું બાનાખત થયું હતું. ત્યારબાદ ૨૦૦૪માં આ જમીનની જાહેર હરાજી યોજાતા સાત શખ્સોએ ભાગ લીધો હતો.પરંતુ ત્યારબાદ અચાનક કાયદાકીય ગૂંચ ઉભી થવાના બહાના હેઠળ આ કેસ પડતર રહ્યો હતો. ત્યારે બાર વર્ષે બાવો બોલતા ફરી આ જમીન ભૂત ધૂણ્યું છે ત્યારે રાજકીય નેતાઓ દ્વારા સાંઠગાઠ રચીને જમીન પડાવી લેવાના કારસા સામે ગાંધીજીના આર્દશોને વરેલી આ સંસ્થાને બચાવવાની માંગ ઊઠી છે.