ચોરણીયા ૪૦૦ કે.વી. સબ સ્ટેશન ક્વાટર્સમાંથી રૂ. ૪.૧૩ લાખની તસ્કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કર્મચારી પરિવાર વેકેશનમાં ફરવા ગયા ને તસ્કરોએ નવા વર્ષની બોણી કરી


લીંબડી નજીક આવેલા ૪૦૦ કે.વી. ચોરણીયા વીજ સબ સ્ટેશન સ્ટાફના બે ક્વાટર્સમાં તસ્કરોએ તરખાટ મચાવી અંદાજે રૂ. ૪.૧૩ લાખની સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી હતી. પરિવારજનો દિવાળી વેકેશનમાં વતનમાં ફરવા ગયા હતા. ત્યારે પાછળથી તસ્કરોએ ક્વાટર્સનાં દરવાજાના તાળા તોડી નવા વર્ષની બોણી કરતા શહેરીજનોમાં પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.લીંબડી પાસે વીજ સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટકતા પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.

લીંબડી નેશનલ હાઇવે પર આવેલ ચોરણીયા ૪૦૦ કેવી વીજ સબ સ્ટેશનમાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતા કર્મચારી સતિષભાઈ જગાભઈ તડવી દિવાળી પર્વ ઉજવવા પરિવારજનો સાથે વતન ભરૂચમાં ગયા હતાં. તેમના નીચેના કવાટર્સમાં તસ્કરો દરવાજાનાં નકુચા તોડી ત્રાટક્યા હતાં. કબાટ તથા તિજોરીમાં રાખેલા સોનાની બે લક્કી , સોનાની સાત વીંટી, સોનાની ચાર બંગડી, સોનાનો એક સેટ, કાનની બે શેર, સોનાના ડાયમંડ બે બુટી, ચેઇન તથા ચાંદીના છડા તેમજ કપડા મળી કુલ રૂ.૩.૯૪ લાખના મત્તાની ઉઠાંતરી કરી ગયા હતાં. જ્યારે ઉપરના ક્વાટર્સમાં રહેતા અન્ય કર્મચારી ઘનશ્યામભાઈ કનૈયાલાલ ગોહિ‌લ પણ દિવાળી પર્વ વતન સરખેજ ગયા હતાં.

તસ્કરોએ રેઢુપડ જાણી તેમના ક્વાટર્સના પણ તાળા તોડી જુદા જુદા નાના મોટા ચાંદીના અંદાજે ૨૪,૦૦૦ રૂપિયાના દાગીના ઉઠાવી ફરાર થઇ ગયા હતાં. આ બનાવની જાણ થતાં ડીવાય.એસ.પી. ગૌત્તમ જી.જસાણી તેમજ લીંબડી પી.એસ.આઈ. બી.વી.ઝાલા, જોરૂભા પરમાર, રઘુભાઈ, પ્રકાશભાઈ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં. લીંબડી પાસે વીજ સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટકતા પોલીસ તંત્ર સામે રોષ ફેલાયો છે.

ચોરાઉ ખાલી સૂટકેશો ખેતરમાંથી મળી આવી

સબ સ્ટેશન તરફ ક્વાટર્સમાં તપાસમાં આવેલો ડોગ તસ્કરનું પગેરૂ દબાવતા તસ્કરો સબ સ્ટેશનની તૂટેલી ફેન્સીંગમાંથી બહાર નીકળ્યા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. અને ખેતરમાં વેરણ છેરણ પડેલી ત્રણ સૂટકેશો ખાલી મળી આવતા પોલીસે કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.