સુરેન્દ્રનગર:477 પરિવારોને BPLકાર્ડ માટે ધરમધક્કા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-લોકોનો રોષ| કચેરીમાં કાર્ડ માટે જતા લોકોને કર્મચારીઓ જવાબ ન આપતા ખો આપી રહ્યા છે
-એજન્સીમાં ફેરફાર થતા આ કામગીરી અટકી પડી છે : તંત્રનો લૂલો બચાવ

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લાની પુરવઠા કચેરીમાં બીપીએલ લોકોને બીપીએલના કાર્ડ કાઢી આપવાનું કામ છેલ્લા થોડા સમયથી ધીમી ગતીએ ચાલી રહ્યુ છે. જેના લીધે અંદાજે 477થી વધુ પરિવારોને બીપીએલ કાર્ડ કઢાવવા માટે કચેરીના ધક્કા ખાવા પડે છે. આથી આ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જેને પગલે બીપીએેલ કાર્ડ ધારકો તેમને મળતા લાભનો ઉપયોગ તે લઇ શકે.સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પરિવારો હજુ પણ બીપીએલ કાર્ડથી વંચીત છે. 0 થી 16 ગુણાંકવાળા બીપીએલ લોકોને બીપીએલ રેશનકાર્ડ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્ર અને પુરવઠા કચેરીમાં કામગીરી થાય છે.
પરંતુ છેલ્લા થોડા સમયથી આ કામગીરી ખૂબ ધીમી ગતીએ ચાલે છે. જેના લીધે શહેરના 477થી વધુ બીપીએલ પરિવારો હાલ રેશનકાર્ડથી વંચીત હોવાની રજૂઆત થઇ છે. પુરવઠા કચેરીમાં બીપીએલ કાર્ડ કાઢવાની કામગીરી ધીમી ગતીએ થતા 477 પરિવારોની અરજી ફાઇલોમાં જ પડી રહી છે. આથી આ પરિવારોના લોકોને બીપીએલ કાર્ડ કઢાવવા માટે કચેરીના ધરમધક્કા ખાવા પડે છે. સુરેન્દ્રનગરની પુરવઠા કચેરી અને જનસેવા કેન્દ્રમાં લોકોને બીપીએલ કાર્ડ આપવાની કામગીરી ઝડપી કરાય તેવી લોકમાંગ ઉઠી છે. આ અંગે સુરેન્દ્રનગરની જનકલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમીતભાઇ ઉમરાણીયા અને સીનીયર સીટીઝન કે.એન.રાજદેવે જિલ્લા કલેકટર કે.બી.ભટ્ટને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. જેમાં શહેરના 477 પરિવારોને તાકિદે બીપીએલ કાર્ડ કાઢી આપવાની માંગ કરાઇ હતી.

ધક્કા ખાવા છતાં જવાબ મળતો નથી

અમોએ છેલ્લા ઘણા સમયથી બીપીએલ કાર્ડ કાઢવા માટે જનસેવા કેન્દ્રમાં આપ્યુ છે. પરંતુ આ અંગે અનેકવાર ધક્કા ખાઇને રૂબરૂ તપાસ કરવા છતાં કોઇ યોગ્ય જવાબ મળતો નથી. જનસેવા કેન્દ્રમાં બેસતા કર્મચારીઓ અને પુરવઠાના કર્મચારીઓ અમોને ખો આપે છે. આથી તાકિદે અમારા બીપીએલ કાર્ડ નીકળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. > રમેશભાઇ મુંધવા, જયેશભાઇ કણઝરીયા, કાર્ડધારક

બીપીએલ કાર્ડ કાઢતી એજન્સીમાં ફેરફાર થતા આ કામગીરી અટકી પડી છે. પરંતુ નવી એજન્સીને કામ અપાતા તુરંત કામગીરી ઝડપી બનાવીને બાકી રહેલા તમામ બીપીએલ પરિવારોને બીપીએલ કાર્ડ આપી દેવામાં આવશે. > નારિયાભાઇ, હેડ કલાર્ક, પુરવઠા કચેરી