તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Surendranagar Congress Executive Meeting To Be Stormy

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની કારોબારીની બેઠક તોફાની બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પક્ષ વિરોધી કામ કરવાના મામલે નેતા અને કાર્યકર્તાઓ આમને-સામને
- રોટરી હોલમાં મળેલી બેઠકમાં પોતાનાઓએ જ આક્ષેપોની ઝડી વરસાવી


સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે કાર્યકર્તાઓના પ્રશ્નોને સાંભળવા માટે રોટરી હોલમાં મળેલી કોંગ્રેસની બેઠક તોફાની બનતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ એકબીજા પર નિશાન તાકી આક્ષેપો કર્યા હતા.કોંગ્રેસની બેઠકના મામલે જિલ્લામાં ચકચાર મચાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના સંગઠનને મામલે પહેલેથી જ અનેક સવાલો ખડા થયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જ ટિકિટ ફાળવવા મામલે કોંગ્રેસ પક્ષના નેતા અને કાર્યકરોમાં ઉભા ભાગલા પડી ગયા હતા. આ મામલે રાજીનામા ધરવાનો ખેલ પણ ખેલાયો હતો. ત્યારે બુધવારે રોટરી હોલ ખાતે મળેલી કોંગ્રેસ કારોબારી સંગઠનની જગ્યાએ અંદરોઅંદરની લડાઇમાં પરિણમી હતી.

રોટરી હોલ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઇ સોલંકી, રૈયાભાઇ રાઠોડ, પરાક્રમસિંહ ઝાલા, કનુભા પરમાર સહિતના કોંગી અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શરૂઆતથી જ નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા હતા. ત્યારે સંગઠનને મજબૂત બનાવી કામ કરવાની વાત સાથે પક્ષ વિરોધી કામ કરનાર સામે કાર્યવાહી કરવાની વાત થતાની સાથે કેટલાક કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો.

ચાલુ પ્રવચને માઇક હાથમાં લઇને સ્ટેજ પર આવી ચડેલા કેટલાક કાર્યકર્તાઓએ પક્ષ વિરોધી કામ કરનાર જ સ્ટેજ પર ચઢી બેઠા હોવાની વાત કરતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓએ દેકારો મચાવી નેતાઓ સામે જ આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા. ખાસ કરીને ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જ કોંગ્રેસની ઘોર ખોદી હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.કોંગ્રેસની બેઠક જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઇ સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં ભળી ગયા છે. તે ભાજપના નેતાઓના કહેવાથી સંગઠનને તોડવા જ આવુ કૃત્ય કરવામાં આવ્યું છે. બાકી પક્ષમાં કોઇને રાગદ્વેશ નથી.