પાટડી :એસ.ટી.અધિકારીઓનાં પાટડીમાં ધામા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાટડી પાલિકાએ બસ સ્ટેન્ડની જમીન પરત મેળવવા રજૂઆતનાં દિવ્ય ભાસ્કરનાં અહેવાલનો પ્રચંડ પડઘો
પાટડી:પાટડી વેલનાથનગર સામે બસ સ્ટેન્ડ બનાવ્યાને દસ વર્ષ જેટલો સમય થવા છતા બસ સ્ટેન્ડ ચાલુ કરાયુ ન હતું. આથી પાટડી નગરપાલિકાએ બસ સ્ટેન્ડ માટે ફાળવેલી જમીન પરત લેવાની લેખિત રજૂઆત કર્યાનાં દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આથી એસ.ટી.નિગમનાં આલા અધિકારીઓ પાટડી દોડી ગયા હતાં. અને બસ સ્ટેન્ડ તાકીદે ચાલુ કરવાની નગરપાલિકાને બાંહેધરી આપી હતી.પાટડીમાં 10-12 વર્ષ અગાઉ એ વખતનાં ગૃહરાજયમંત્રી અમીત શાહના વરદ્દ હસ્તે રૂ. 15 લાખનાં ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ બસ સ્ટેન્ડમાંથી લાઇટ પંખા સહિતનો સામાન ચોરી જવાની સાથે બારી બારણ તોડી નાંખવામાં આવ્યા હતાં.
આ નવા બસ સ્ટેન્ડમાં મુસાફરોને બદલે ઢોરોની સંખ્યા વધુ હોવાથી નવુ બસ સ્ટેન્ડ ઢોર પૂરવાનો વાડો બની ગયુ હતું. આથી બસ સ્ટેન્ડનું સમારકામ ન કરાતા અને કંટ્રોલ પોઇન્ટ ચાલુ ન કરાતા નગરપાલિકાએ બસ સ્ટેન્ડ માટે ફાળવેલી જમીન પરત લેવાની લેખિત ચીમકી ઉચ્ચારાયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આ પ્રચંડ પડઘારૂપે શનિવારના રોજ એસ.ટી.નિગમનાં આલા અધિકારીઓ અને વિરમગામ ડેપો મેનેજર સહિતનાં અધિકારીઓ પાટડી દોડી ગયા હતાં. પાટડીના બિસમાર બસ સ્ટેન્ડની મુલાકાત લેવાની સાથે નગરપાલિકાનાં કારોબારી ચેરમેન મુકેશભાઈ દેસાઇ સહિતનાં આગેવાનો સાથે મેરોથોન મિટીંગ યોજી હતી. જેમાં નવા બસ સ્ટેન્ડમાં તાકીદે બાઉન્ડ્રી વોલ બનાવી બસ સ્ટેન્ડનું સમારકામ કરી બસ સ્ટેન્ડને પુન:ધમધમતુ કરવાની બાયેંધરી આપી હતી.ટૂંક સમયમાં આ બસસ્ટેશન ધમધમતું થશે તેવી લોકોને આશા છે.