લીંબડીની પેટાચૂંટણી લોકસભાની ચૂંટણીનું ભાવિ ઘડશે : શંકરસિંહ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લીંબડીમાં યોજાયેલી સભામાં કોંગ્રેસ અગ્રણીઓના ભાજપ પર પ્રહાર ચાર માસમાં નવી સરકારથી ગુજરાતની જનતા ત્રાહિમામ : મોહનપ્રકાશ

૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ વાતાવરણ જામતું જાય છે. કોંગ્રેસના આગેવાન અને ગુજરાતના પ્રભારી મોહનપ્રકાશ ઝા તથા ચૂંટણીના પ્રભારી શંકરસિંહ વાઘેલાએ લીંબડી ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે જાહેરસભાનું સંબોધન કર્યું હતું અને તેમણે ગુજરાતની નવી સરકારની નીતિથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે લીંબડી, ચૂડા, સાયલા તથા શહેરી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

લીંબડી હાઇવે પર આવેલા કોળી સમાજના છાત્રાલય ખાતે લીંબડી વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર સતીષભાઇ પટેલની જાહેરસભા યોજાઇ હતી.જેમાં ગુજરાતના પ્રભારી મોહનપ્રકાશ ઝા, શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી જાહેરસભાને સંબોધી હતી. જેમાં પ્રભારી મોહનપ્રકાશ ઝાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર ગરીબ પ્રજા અને ખેડૂત વિરોધી સરકાર છે.

તાજેતરમાં જે જે રાજ્યોમાં ચૂંટણી થઇ છે ત્યાં ભાજપનો સફાયો થયો છે.જ્યારે શંકરસિંહ વાઘેલાએ આ પેટાચૂંટણી લોકસભાનું ભાવિ નક્કી કરશે તેમાં બે મત ન હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, સાંસદ સોમાભાઇ પટેલ, ઉમેદવાર સતીષભાઇ પટેલ, સુનીતાબેન પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઇ સોલંકી, નાૈશાદભાઇ સોલંકી, આદિત્યસિંહ જાડેજા, બાબુભાઇ સોલંકી, રામજીભાઇ ગાબુ, પી.ટી.શાહ, રઘુભાઇ ભરવાડ, રાકેશભાઇ ડાભી, સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.