તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં કાચું સોનું વરસ્યું: મોલાતને જીવતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સર્વત્ર દોઢથી બે ઇંચ વરસાદ: પલાખ હેક્ટર વાવેતરને ફાયદો
- કપાસ,
બાજરી, જુવાર, તલને લાભ

સુરેન્દ્રનગર જિલ્લા તરફ મેઘાએ મોં ફેરવી લેતા પ લાખ હેકટર વાવેતર બળી જવાનો ભય ફેલાયો હતો. આથી ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. પરંતુ જગતના તાતની ચિંતા જાણી ગયો હોય તેમ ગુરુવારે મેઘાએ ઝાલાવાડ પર મહેર કરી હતી. સમગ્ર જિલ્લામાં પાક માટે કાચા સોના જેવો વરસાદ વરસતા મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું હતું.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં બુધવાર રાતથી ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ. વરસાદ શરૂ થતા જ શહેરના અમુક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ જતા લોકો પરેશાન થઇ ગયા હતા. જયારે વરસાદથી સર્વત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. છેલ્લા થોડા દિવસોથી વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ત્યારે બુધવાર રાત્રે અને ગુરૂવારે સમગ્ર દિવસ દરમિયાન ધીમીધારે વરસેલા વરસાદથી ખેડૂતોના જીવનમાં જીવ આવી ગયો હતો. વરસાદના લીધે શાળાએ જતા બાળકોને સવારથી જ રેઇનકોટ અને છત્રી લઇને નીકળવુ પડયુ હતુ.


ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા પંથકમાં વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન હતો. ચોમાસામાં મુરઝાયેલ પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. ધ્રાંગધ્રા પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા જોગાસર તળાવ, માનસાગર તળાવ, ફલકૂ ડેમ સહિ‌તના જળાશયો અને તળાવોમાં નવા નીર આવ્યા હતા. આ અંગે ખેડૂત હસુભાઇ દલવાડીએ જણાવ્યુ કે,વરસાદથી કપાસ, બાજરી, જુવાર, તલ, શાકભાજીના પાકોને જીવતદાન મળ્યું છે.