વઢવાણ: આર્થિક શોષણની ફરિયાદ : કામદારો હડતાલે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોન્ટ્રા. બેઇઝ કામદારો સાથે થતો અન્યાય ન અટકે તો આમરણ ઉપવાસની ચીમકી
- મહિલા સફાઇ કામદારોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું : તંત્રમાં દોડધામ

વઢવાણ: વઢવાણ નગરપાલિકામાં સફાઇ કામદારોનું આર્થિક શોષણ અને વિવિધ પ્રશ્નો સાથે અન્યાય થતો હોવાની રાવ ઉઠી છે. ત્યારે કોન્ટ્રાકટ બેઇઝના સફાઇ કામદારોએ હડતાલ પર ઉતરી જતાં શહેરમાં ગંદકીનાં ઢગલા જોવા મળી રહ્યાં છે. આ સફાઇ કામદારોનાં પ્રશ્નો હલ ન થતા મહિલા અધિકાર મંચના નેજા હેઠળ 50 થી વધુ મહિલા સફાઇ કામદારોએ મંગળવારે નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી નાયબ ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.વહેલામાં વહેલી તકે માગણી સંતોષવાની રજૂઆત. વઢવાણ નગરપાલિકાનાં વોર્ડ નં. 1 થી 12માં સફાઈની કામગીરી કરતા સફાઇ કામદારોનું આર્થિક શોષણ થતુ હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠી હતી. આ અંગે વઢવાણ નગરપાલિકાનાં તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઇ પગલા ન લેવાતા રોષની લાગણી ફેલાઇ હતી.

વઢવાણ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝનાં સફાઇ કામદારો હડતાલ પર ઉતરી જતાં પાલિકા તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ મહિલા અધિકાર પંચના નેજા હેઠળથી વધુ મહિલા સફાઇ કામદારોએ વઢવાણ નગરપાલિકાથી મામલતદાર કચેરી વઢવાણ સુધી રેલી કાઢી હતી. ત્યારબાદ વઢવાણ નાયબ ક્લેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ વઢવાણ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતાં સફાઇ કામદારો સરકારનાં લઘુત્તમ વેતનદર રૂ. 230.30 છે. પરંતુ કામદારોને રૂ. 150 જ ચૂકાવવામાં આવે છે.

આ ઉપરાંત હાજરી કાર્ડ આપવામાં ન આવા હાજરીમાં ગોલમાલનો ભય ઉભો થયો છે. જ્યારે કામદારોને સફાઈના સાધનો પણ આપવામાં આવતા નથી. ત્યારે ભ્રષ્ટાચાર અટકાવવા માટે પગાર બેંકમાં જમા કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે. આ આવેદનપત્રમાં 9 જેટલી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ આ હડતાલને કારણે વઢવાણ શહેરમાં ગંદકી ઢગલા ઠેર ઠેર જોવા મળે છે.

માત્ર કોન્ટ્રાકટ બેઇઝ કામદારો હડતાલ પર

આ અંગે વઢવાણ નગરપાલિકાના સેનિટેશન વિભાગનાં ઇન્ચાર્જ ઇન્સ્પેકટર હેમાભાઈ ડોડીયાએ જણાવ્યું કે, વઢવાણ પાલિકનાં ચીફ ઓફિસર શિબિરમાં ગયા છે. જ્યારે વર્તમાન ઇન્સ્પેકટર મોહનભાઈ આજથી રજામાં ઉતરી જતાં મને ચાર્જ સોંપાયો છે. માત્ર કોન્ટ્રાકટ બેઇઝનાં કામદારો બે દિવસથી હડતાલ પર ગયા છે. જ્યારે નગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું કે, આ કામદારોનો પગાર અમારે નહીં કોન્ટ્રાકટરોએ કરવાનો હોય છે.
ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેકટર

મહિનાઓથી કામદારોનો પગાર થયો નથી

વઢવાણ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતાં સફાઇ કામદારોનો મહિનાઓથી પગાર ન થયાની રજૂઆત થઇ હતી. આ અંગે સરોજબેન, હિંમતભાઈ વગેરે જણાવ્યું કે, ત્રણ મહિનાનો પગાર જ અમને કોન્ટ્રાકટર દ્વારા ચૂકવવામાં આવ્યો નથી. આથી 100 થી વધુ કામદારો પરિવારજનોનાં ભરણ પોષણનો પ્રશ્ન ઉભો થયો છે.