ધ્રાંગધ્રામાં ક્રિકેટનો સટ્ટો રમાડતો એલ.આઇ.સી.નો કર્મી ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોબાઇલ,ટીવી સહિત રૂ. ૪૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

ધ્રાંગધ્રા શહેરમાં આઇ.પી.એલ.માં મોટા પ્રમાણમાં સટ્ટો રમાઇ રહ્યો છે ત્યારે એસ.ઓ.જી.એ બાતમીના આધારે કલ્પના સોસાયટીમાં રેડી પાડી મુંબઇ અને ચેન્નાઇની મેચમાં સટ્ટો રમાડતા એલ.આઈ.સી.ના કર્મચારીને ચાર મોબાઇલ, ટીવી સહિત રૂ. ૪૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ક્રિકેટનો સટ્ટો રમાય છે ત્યારે મેચ ફિકસિંગનું કૌભાંડ ખૂલતા રાજ્યના ગૃહવિભાગના ચીફ સેક્રેટરી એસ.કે.નદાનીએ બુકીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે ત્યારે જિલ્લા પોલીસવડા રાઘવેન્દ્ર વત્સની સૂચનાથી એસ.ઓ.જી.પી.આઈ. જે.પી.રાઓલ, એસ.યુ.બેલીમ, નીતિરાજસિંહ, દીગુભા, ઘનશ્યામભાઇ, દેવીસિંહ અને સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રાની કલ્પના સોસાયટીમાં દરોડો પાડયો હતો.

આ દરમિયાન સોસાયટીમાં રહેતા અને એલ.આઈ.સી.ના કર્મચારી સુરેશભાઈ ડી.ઠક્કર (અખાણી)ને ત્યાં રેડ કરતા આઇ.પી.એલ.ની મુંબઇ અને ચેન્નાઇની મેચમાં મોબાઇલ ફોન દ્વારા સટ્ટો રમાડતા રંગે હાથે ઝડપી પાડયો હતો. સુરેશભાઈ પાસેથી રૂ. ૨૮ હજારની કિંમતના ૪ મોબાઇલ, એક ટીવી સહિત રૂ. ૪૩ હજારનો મુદ્દામાલનો કબજો લેવામાં આવ્યો હતો.

આ બનાવમાં સુરેશભાઈ ઠક્કર રાજકોટના જયેશભાઈ નામના શખ્સ પાસેથી મોબાઇલની લાઇન લઇ સટ્ટો રમાડતા હોવાનું ખૂલ્યું હતું.આ બનાવ અંગે સુરેશભાઈ ડી.ઠક્કર ઉર્ફે અખાણી અને રાજકોટના જયેશભાઈ સામે ધ્રાંગધ્રા સિટી પોલીસમાં જુગારધારા અંગેની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

- અનેક સટ્ટોડિયાઓનાં નામ ખૂલશે

સુરેશભાઈ ડી.ઠક્કર ઘણા સમયથી ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા ત્યારે તેમની પાસેથી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, પાટડી, રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરમાંથી ક્રિકેટ નેટવર્ક અને સટ્ટો રમતા ગ્રાહકો હતાં ત્યારે મોબાઇલ ફોનની ડિટેઇલ અને ડાયરી પરથી અનેક સટ્ટોડિયાઓનાં નામ ખૂલવાની સંભાવના છે.