પાટડી નાગરીક બેંકનાં ૧૧ ડિરેકટરો માટે ૨૩ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી: પાટડી નાગરીક સહકારી બેંકની દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે. જેમાં ૨૦૦પમાં ચૂંટણી યોજાઇ હતી. અને ૨૦૦૮ અને ૨૦૧૧માં બંને પક્ષો વચ્ચ સમાધાન થતા ચૂંટણી બિનહરીફ થઇ હતી. જ્યારે આ વખતે બંને પક્ષો વચ્ચે સમજૂતી ન થતાં ચૂંટણીના પડઘમ વાગ્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રેરીત પેનલ પાટડી નાગરીક બેંક વિકાસ સમિતિમાં ૮ પટેલો, ૪ ઠક્કરો અને ૩ અન્ય કોમના મળીને ૧૧ ઉમેદવારોની પેનલ થઇ હતી. જ્યારે ભાજપ પ્રેરીત પેનલમાં નાગરીક વિકાસ પેનલમાં પણ ૪ પટેલો, ૪ ઠક્કરો અને ૩ અન્ય કોમના મળી કુલ ૧૧ ઉમેદવારો મેદાનમાં છે. અને અન્ય એક અપક્ષ ઉમેદવાર મળી કુલ ૧૧ ડિરેકટરો માટે કુલ ૨૩ ઉમેદવારો વચ્ચે આગામી ૨૪ ઓગસ્ટને રવિવારના રોજ કડવા પાટીદાર હોલમાં યોજાનારી ચૂંટણીમાં ખરાખરો જંગ જામશે.

આ અંગે ચૂંટણી અધિકારી અને બેંક મેનેજર પ્રવિણભાઈ પટેલે જણાવ્યું કે, બેંકમાં કુલ નોંધાયેલા ૩,૧૨૨ સભાસદો છે. એમાંથી ડિફોલ્ટર અને મૃત્યુ પામેલા સભાસદોને બાદ કરીએ તો કુલ ૨,૮૬૯ સભાસદો રવિવારે યોજાનારી બેંક ચૂંટણીમાં પોતાના મત્તાધિકારીનો ઉપયોગ કરશે. જેમાં એક સભાસદ દ્વારા ૧૧ વોટ નાંખવામાં આવશે. ૧૧ થી ઓછા કે વધારે વોટ નાંખેલા હશે તો એ રદબાતલ ગણાશે.