લીંબડી વિધાનસભાની બેઠકમાં મતદારોને મતદાન માટે વધુ બે કલાક મળશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિ‌લાઓ વધુ મતદાન કરે તે માટે બે મહિ‌લા એક પુરુષ મતદાન કરવાનો નવો નિયમ

ગરમીમાં પાણી અને છાયડાની વ્યવસ્થા કરવા ખાસ આદેશ લીંબડી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે સરકારી તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં પરોવાઇ ગયું છે ત્યારે વધુ મતદાન થાય અને આચારસંહિ‌તાનો કડકપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આવા સમયે લીંબડી વિધાનસભાના ૨.૨૯ લાખ મતદારોને ઘેર બેઠા ફોટા સાથેની સ્લીપ તંત્ર દ્વારા પહોંચાડવામાં આવશે. દરેક વ્યક્તિ મતદાન કરે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા મતદાનનાં સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં સવારે આઠની જગ્યાએ સાત વાગે તથા સાંજે પાંચને બદલે છ વાગ્યા સુધી મતદાન થઇ શકશે.આમ મતદારોને મતદાન માટે બે કલાકનો વધુ સમય આપવામાં આવ્યો છે.

લીંબડી વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસમાં સાંસદ સોમાભાઈના પુત્ર અને જ્યારે ભાજપમાં કિરીટસિંહ રાણા વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનું નક્કી મનાઇ રહ્યું છે ત્યારે બંને માટે આ પેટાચૂંટણી કરો યા મરો જેવી બની રહેશે.

આવા સમયે નિષ્પક્ષ અને શાંતિપૂર્વક ચૂંટણી યોજાય તે માટે જિલ્લાનું તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. અધિક કલેક્ટર એમ.બી.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી બી.એમ.જોટાણિયા તથા નાયબ માહિ‌તી નિયામક નિરાલા જોષીની અધ્યક્ષતામાં પત્રકારો સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં ચૂંટણીલક્ષી મહત્ત્વની વિગતો આપવામાં આવી હતી. લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં ૧,૨૨,૧૨૮ પુરુષ અને ૧,૦૭,પ૯૩ સ્ત્રી મતદારોને મતદાન કરવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ મતદારોને ઘેર બેઠા ફોટા સાથેની સ્લીપ આપવામાં આવશે. ઉપરાંત મહિ‌લાઓ વધુ મતદાન કરે તે માટે લાંબી લાઇન લાગી હોય ત્યારે બે મહિ‌લા અને એક પુરુષને મતદાન કરવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

નાણાનાં વિતરણ સહિ‌તની તમામ માહિ‌તી આપવા માટે ૨૮પ૩૩૩ ટોલ ફ્રી નંબરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારને મુશ્કેલી ન પડે તે માટે મતદાન મથકમાં છાયડો અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવા માટે કલેકટર કે.કે.નીરાલાએ આદેશ આપ્યો છે. તો બીજીબાજુ ચૂસ્ત બંદોબસ્ત જાળવવા માટે પોલીસવડા રાઘવેન્દ્ર વત્સ દ્વારા ખાસ બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે. ક્લાસ વન કક્ષાના ૧૧ નોડલ અધિકારીની પણ નિમણૂક કરી દેવાઇ છે સાથે શહેરમાં કે હાઇવે પર સરકારી જાહેરાતના બેનરો હટાવવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.

દરેક વ્યક્તિ મતદાન કરે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા લીંબડી વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં મતદાનનાં સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં સવારે આઠની જગ્યાએ સાત વાગે તથા સાંજે પાંચને બદલે છ વાગ્યા સુધી મતદાન થઇ શકશે.આમ મતદારોને મતદાન માટે બે કલાકનો વધુ સમય આપવામાં આવ્યો છે.

રોકડ,ભેટ આપનાર કે લેનારને એક વર્ષની સજા

લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં બંને બળિયા માથે વળગવાના છે ત્યારે સ્વભાવિક છે કે, વર્તમાન સમયે ચૂંટણી જંગ જીતવા રૂપિયાના કોથળા ખૂલ્લા મૂકવા પડે છે. પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારનો ખર્ચ કરતા કાબૂમાં રાખવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન રોકડ કે ભેટ આપનાર કે લેનારને એક વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.