મનરેગા કૌભાંડમાં ટીડીઓની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા તાલુકાના મોકાસરમાં કાગળ પર કામ કરી નાણાં હડપ કરી દેવાયાનો મામલો: પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સરપંચ,તલાટી સહિ‌ત આઠની ધરપકડ થઇ
ચોટીલા તાલુકાના મોકાસર ગામે મનરેગા યોજનામાં કૌભાંડ કરી ખોટા પૂરાવાઓ રજૂ કરી લાખો રૂપિયા ચાંઉ કરી જવામાં આવ્યા હોવાનો પોલીસ કેસ નોંધાતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવમાં તપાસ કરનાર સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસની ટીમે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એવા તત્કાલીન ચોટીલાના તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરતા સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાત લોકોની રોજીરોટી ચાલે તે માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. અને તે અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટની ફાળવણી પણ કરવામાં આવે છે. પરંતુ કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી ગરીબોનાં હક્કાના પૈસો બારોબાર ચાઉં થઇ જતાં હોય છે. ત્યારે ચોટીલા તાલુકાનાં મોકાસર ગામમાં મનરેગા યોજના અંતર્ગત મોકાસરથી પીયાવા રોડનં રૂ. ૧૦ લાખના ખર્ચે કામ મંજૂર કરવામાં આવ્યું હતું. રસ્તાનું કામ માત્ર કાગળ પર જ કરી ખોટી હાજરી, ખોટા બિલ સહિ‌તના તમામ બોગસ પૂરાવા ઉભા કરીને રૂ. ૧૦ લાખ હડપ કરી જવામાં આવ્યા હતાં.
આ કૌભાંડ અંગે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી હતી. એસ.ઓ.જી. પી.આઈ. જે.પી.રાઓલે સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં અલગ અલગ સમયે મોકાસરના તત્કાલીન મહિ‌લા સરપંચ, તલાટી સહિ‌ત સાત આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતાં ત્યારે ગુનાના મુખ્ય સૂત્રધાર એવા તત્કાલીન ચોટીલા તાલુકા વિકાસ અધિકારી ડી.એ. વાળાની ધરપકડ કરી હતી. કથિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર ટી.ડી.ઓ. હાલ નિવૃત્ત થઇ ગયા છે અને આણંદમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કૌભાંડમાં અધિકારીની ધરપકડ થતા ચોટીલા સહિ‌ત અન્ય તાલુકાઓમાં પણ કૌભાંડમાં કાળા હાથ કરનાર કેટલાક અધિકારીઓ ફફડી ઉઠયા છે.
રૂ. ૯ કરોડનું કૌભાંડ હોવાનો અંદાજ
ચોટીલા તાલુકામાં મનરેગા સહિ‌તની યોજનાઓ માટે સરકારે રૂ. ૯ કરોડની રકમ ફાળવી હતી. તે સમયે આ ટી.ડી.ઓ.ને નિવૃત્ત થવાનો થોડો સમય બાકી હતો. માટે તેમણે મોટા ભાગના કામોમાં ખાયકી કરી રૂ. ૯ કરોડની રકમ મળતીયાઓ મારફતે વહેચી હોવાનું સરકારી કચેરીઓમાં ચર્ચાઇ રહ્યું છે. આ રકમ હડપ કરવામાં નિચલા વર્ગના કેટલાંક કર્મચારીઓની તો માત્ર સહી કરાવી કૌભાંડનો ગાળીયો ગળામાં નાંખી દેવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે.