લીંબડામાંથી દૂધ નિકળ્યુની વાત ફેલાણીને લોકો દોડ્યા પ્રસાદી લેવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લીંબડામાંથી દૂધની ધારાઓ વહેતી હોવાની વાત વહેતી થતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ ફેલાયુ હતુ)
સુરેન્દ્રનગર: પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવ ભકિતમાં લીન બન્યા છે.પરિણામે જાણે ભકિતનું ઘોડાપુર જોવા મળી રહયુ છે. આવા સમયે સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલા કૃષ્ણનગર શેરી નં૩માં આવેલા લીંબડામાંથી દૂધની ધારાઓ વહેતી હોવાની વાત વહેતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ ફેલાયુ હતુ. રતનપરમાં આવેલા લીંબડામાંથી નીકળતા પ્રવાહીને કારણે લોકો દોડતા થઇ ગયા હતા.

કૃષ્ણનગરમાં પ્રભુભાઇ પ્રજાપતિના ઘર બહાર અંદાજે ૩૦ વર્ષ જૂનો લીંબડો આવેલો છે.આ લીંબડામાં છેલ્લા બે દિવસથી સફેદ પ્રવાહી પડતુ હતુ. આ પ્રવાહી દૂધ હોવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ ગઇ હતી.આથી લીંબડા પાસે લોકોના ટોળા જમા થવા લાગ્યા હતાં. જેમાં દૂધનો પ્રસાદ લેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી.

લોકોએ જણાવ્યુ કે બે દિવસ પહેલા લીંબડામાંથી અવાજ આવ્યો હતો.ત્યાર બાદ સફેદ પ્રવાહી નીકળવા લાગ્યુ હતુ. શરૂઆતમાં થોડા પ્રમાણમાં પ્રવાહી નીકળતુ હતુ. જયારે મંગળવારે અચાનક લીંબડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહીની ધારાઓ વહેવા લાગી હતી.લોકોએ શ્રધ્ધા સાથે જોડી દેતા લીંબડા માંથી સફેદ પ્રવાહી નીકળવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી.