માવઠાનાં કારણે ઝાલાવાડમાં સાકરટેટીનું ઉત્પાદન ઘટ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉત્પાદન ૫૦ ટકા થતા ખેડૂતોનાં સારા ભાવની ઊજળી આશા નિષ્ફળ નીવડી

ગરીબોના આમ રસ સમાન અને સાકરટેટીનાં હુલામણા નામથી પ્રખ્યાત મધુરીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયુ છે. પરંતુ પવન અને કુદરતનાં કહેર સમાન માવઠાએ મધુરીનાં ઉત્પાદનની ઉપર પાણી ફેરવી દીધુ હતું. અને માવઠાનાં કારણે મધુરીની મીઠાસ અને ઉત્પાદન ૫૦ ટકા થતા ખેડૂતોનાં સારા ભાવની ઉજળી આશા નિષ્ફળ નીવડી હતી.

ઉનાળાની સીઝનમાં કેરીના આગમન પહેલા સ્વાદપ્રિય લોકો સાકરટેટીના હુલામણા નામથી ઓળખાતા મધુરીનો સ્વાદ માણતા જોવા મળે છે. વરસાદ આધારિત ખેતીમાં ઓછા પાણી મહેનતે ખેડૂતો મધુરીનું વાવેતરનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરતા જોવા મળી રહ્યાં છે. વસંત પંચમીના વણજોયા મૂર્હૂતે દેશી ખાતર, બિયારણ સાથે મધુરીનું વાવેતર કરેલા ખેડૂતો માર્ચ-એપ્રિલમાં અવારનવાર હવામાને પલટો લેતા અને પવને જોર શરૂ કરતા મધુરીનાં વેલા જમીનદોસ્ત થયા હતાં. વેલામાં રહેલા ફળને પણ માવઠાના પાણીની અસર થઇ છે.

આ બાબતે હરજીભાઈ સતવારાના જણાવ્યાં મુજબ તરબૂચ, ટેટી (મધુરી)ને ઠંડી અસર થતા ફળની મીઠાસ અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. સતત સાત આઠ દિવસ સુધીનાં ભેજવાળા વાતાવારણ અને વરસાદ સાથે કરા પડવાનાં બનાવથી મધુરીના નાના ફળ પાકી ગયા હતા. જ્યારે સાયલાની સીમ ખેતરમાં છેલ્લા કેટલાંક સમયથી મધુરીનું વાવેતર કરનાર ડોડીયા ગોવિંદભાઈ વિરમભાઈના જણાવ્યાં મુજબ ગત વર્ષે મધુરીનાં સારા ઉત્પાદનનાં કારણે એક લાખથી વધુ રકમની આવક મેળવી હતી.

પરંતુ સારા પ્રમાણમાં થયેલા મધુરીનાં વાવેતર બાદ માવઠાનાં કારણે ફળની સાઇઝ નાની રહી છે અને ફળ વહેલુ પાકી અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. અને માત્ર સિઝનમાં ૫૦ ટકા આવક મેળવી શક્યા છીએ. વરસાદી પાણી ફળ ઉપર પડવાથી ફળની ગુણવતા અને મીઠાસમાં પણ ફેરફાર થતા વેપારીઓની માંગ ઘટી છે. મધુરીને છુટક વેચાણ કરીને ખેડૂતઓ ખાતર,બિયારણનો કરેલો ખર્ચ ભારે જહેમત બાદ મેળવ્યો હતો.