બનાવટી નોટો ઘુસાડનાર બેલડીને આજીવન કારાવાસ, કોર્ટે ફટકારી સજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ બિહારના બંને શખ્સોને કોર્ટ બહાર જાલી નોટો સાથે દબોચી દીધા હતા
- ધ્રાંગધ્રામાંથી પકડાયેલા બે ટાબરિયાની તપાસ બિહાર સુધી લંબાઇ હતી


સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતનાં અનેક શહેરોમાં જાલી નોટો ઘૂસાડવાનાં કારસ્તાનમાં સપડાયેલા બે શખ્સોને સુરેન્દ્રનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ બંને શખ્સો ધ્રાંગધ્રામાં જાલી નોટ સાથે પકડાયેલા બે બાળ આરોપીઓને છોડાવવા માટે આવ્યા હતાં ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.પોલીસે કોર્ટ કમ્પાઉન્ડ બહાર જ તેમને દબોચી દીધા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં જાલી નોટો મળી આવવાના કિસ્સાઓ વધતા પોલીસવડા રાઘવેન્દ્ર વત્સની સૂચનાથી સમગ્ર જિલ્લાની પોલીસ સતર્ક બની હતી. દરમિયાન ધ્રાંગધ્રા પોલીસે શહેરમાંથી બે ટાબરિયાને જાલી નોટો સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી હતી. જાલી નોટના ષડયંત્રનાં મૂળ સુધી પહોંચવા માટે એસ.ઓ.જી. પી.આઇ. જે.પી.રાઓલ સહિતના સ્ટાફે એક પછી એક કડી મેળવવા છેક બિહાર સુધી દોડધામ કરી હતી.

દરમિયાન તા. ૧૦ ઓક્ટોબર-૨૦૧૨નાં રોજ ધ્રાંગધ્રા પકડાયેલા બે બાળ આરોપીને સુરેન્દ્રનગર કોર્ટમાં લાવવામાં આવ્યા હતાં ત્યારે તેમને મળવા માટે બિહારના પશ્ચિમ ચંપારણ્ય જિલ્લાના લાલોનિયા ગામથી મળવા માટે ભરત જોખનભાઈ મુખિયા તથા સંતોષ લાલજીભાઈ મુખિયાને સુરેન્દ્રનગર કોર્ટ કમ્પાઉન્ડ બહાર પકડી તલાસી લીધી હતી.

જેમાં ભરત પાસેથી રૂ. ૧૦૦૦નાં દરની ૧૫ તથા સંતોષ પાસેથી રૂ. ૫૦૦ના દરની ૧૦ સહિત કુલ રૂ. ૨૦ હજારની જાલી નોટો મળી આવી હતી. એસ.ઓ.જી.પોલીસે બંને શખ્સોને ઝડપી તપાસ હાથ ધરી હતી.તપાસ બાદ જેલમાં ધકેલી દેવામાં આવેલા બંને આરોપીઓ વિરુદ્ધનો કેસ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.

જેમાં સરકારી વકિલ જે.વી.રાઠોડે દલીલો કરી પૂરાવાઓ રજુ કર્યા હતાં. જેમાં ખાસ કરીને પંચના નિવેદન, એફ.એસ.એલ.નો રિપોર્ટ સહિતની તમામ બાબત જોતા આરોપીઓએ જાલી નોટો બનાવી તેનું બજારમાં વેચાણ કર્યું હોવાનું પૂરાવાર થયુ હતું. આથી સેશન્સ જજે ભરત જોખન મુખીયા અને સંતોષ લાલજીભાઈ મુખીયાને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

- આવા બનાવો દેશના અર્થતંત્રની કેડ ભાંગી નાંખે છે : કોર્ટ

બજારમાં જાલી નોટો ઘૂસાડવા ગુનાને કોર્ટે અતિ ગંભીર ગણાવ્યો હતો. આવા બનાવો દેશના અર્થતંત્રની કમર ભાંગી અર્થતંત્રને ખોખલું બનાવી દે છે. આવા કૌભાંડો નાના માણસથી લઇને દરેક વ્યક્તિને ગંભીર અસરકર્તા હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

- બાળકોની આડમાં ષડયંત્ર ચલાવતા હતા

આ બંને શખ્સો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદમાં રહીને જિલ્લાની સાથે ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ જાલી નોટો ઘૂસાડતા હતાં. કોઇને શક ન જાય તે માટે ભેજાબાજ બેલડી નાના છોકરાની મદદથી બજારમાં જાલી નોટો ઘૂસાડતા હતાં.