ઝાલાવાડમાં વાતાવરણ પલટો: રવીપાકને ખતરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જીરું સહિત રવીપાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં

ઝાલાવાડની કેનાલોમાં નર્મદાનાં નીર હોવાથી રવીપાકનું વાવેતર થયું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૨૫ લાખ એકરમાં જીરુંનું વાવેતર કરાયું છે. પરતું સોમવારે અચાનક વાતાવરણ પલટાયું છે.જિલ્લામાં વાદળા,ઝાકળનું પ્રમાણ વધતા ખેડૂતોનો જીવ તાળવે ચોટ્યો છે. આ વાતાવરણનો પલટો તેમજ વરસાદી છાંટા પડતા જીરું સહિતના રવી પાક પર ખતરો ઉભો થયો છે.

ઝાલાવાડમાં આ વર્ષે વરસાદ ન પડતા ખેડૂતોને ત્રણવાર વાવેતર નિષ્ફળ ગયું હતું. આથી ખેડૂતોએ દિવાળી બાદ રવીપાકનું વાવેતર કર્યું હતું. આ દરમિયાન કેનાલોમાં નર્મદાનું પાણી છોડાતા ખેડૂતોએ ઘાસચારો, જીરું અને ઘંઉ સહિતના પાકોનું વ્યાપક વાવેતર કર્યું હતું. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુંનું ૧.૨૫ લાખ હેકટરમાં વાવેતર થયું છે.

પરંતુ સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઝાલાવાડમાં વાદળો, ઝાકળ અને ધૂમ્મસ સર્જાયું છે. અમુક સ્થળોએ વરસાદી છાંટા પડતા જીરું સહિતના રવીપાકો પર ખતરો મંડાયો છે.જ્યારે હજારો ખેડૂતોને જીવ તાળવે ચોટી ગયો છે.આ અંગે રણજીતસિંહ,કરશનભાઇ પટેલ,મગનભાઈ દલવાડી વગેરે ખેડૂતોએ જણાવ્યું કે,વાતાવરણ બદલાતા રવીપાકને નુકસાન થાય તેમ છે. સતત વાદળો, ધૂમ્મસ અને ઝાકળને લીધે જીરુંના પાકને અસર થાય તેમ છે.

આ વર્ષે કુદરતે અમારી પરીક્ષા શરૂ કરી છે.પહેલા વરસાદ ન થતા ત્રણ વખત વાવેતર કરવું પડ્યું હતું.હવે વાતાવરણમાં પલટો આવતા અમારા જીવ પડીકે બંધાયા છે.આવું વાતાવરણ સતત રહ્યું તો જીરું સહિતના રવીપાકનું ઉત્પાદન ઘટશે. ત્યારે ખેડૂતોએ આમાથી બચવા માટે અનેક ઉપાયો હાથ ધર્યા છે.આમ છતાં કુદરતની મહેર પર ખેડૂતો આશા રાખીને બેઠા છે.

- સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાનો ભય

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે જિલ્લામાં અમુક સ્થળોએ વરસાદી છાંટા પડ્યા છે.આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાનો માહોલ સર્જાયો છે. આથી જિલ્લાના ખેડૂતોમાં દોડધામ મચી છે.