થાનમાં શંકાસ્પદ ખાદ્ય તેલના કાળા કારોબારનો પર્દાફાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફૂડ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું:શંકાસ્પદ જણાતા ૧૪૦થી વધુ તેલના ડબ્બાઓના નમૂના લેવાયા

ખાદ્યતેલોના ભાવ ભડકે બળી રહ્યા છે. જેના લીધે ગૃહીણીઓ પરેશાન થઇ ગઇ છે. ત્યારે ખાદ્યતેલોના વધતા ભાવો વચ્ચે મીલાવટ કરી નફો રળી લેવાની પ્રવૃતિએ માઝા મૂકી છે. આવા સમયે થાન શહેરમાં શંકાસ્પદ ખાદ્યતેલ વેચાતુ હોવાની બાતમીને આધારે પોલીસ અને ફૂડ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાં બિલ વગરના ૧૪૦થી વધુ તેલના ડબ્બાઓ જપ્ત કરી નમૂના લેબ ટેસ્ટ માટે મોકલી અપાતા તેલમાં મિલાવટ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

રસોડાના રાજા ગણાતા સીંગતેલનો ભાવ દિવસે-દિવસે આસમાનને આંબી રહ્યો છે. સીંગતેલના વધતા ભાવોને લીધે ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયુ છે. ત્યારે આ સીંગતેલના વધતા ભાવોમાં અમુક મીલાવટખોરોએ તેલમાં ભેળસેળ કરી નફો કમાવી લેવાની પ્રવૃતિ આદરી છે.

થાન શહેરમાં આવેલ માં પ્રોવીઝન સ્ટોર નામની દુકાનમાં ભેળસેળવાળુ ખાદ્યતેલ વેચાતુ હોવાની બાતમી મળતા ફૂડ વિભાગના ડેઝગ્નેટેડ ઓફિસર જે.એન.સોનીના માર્ગદર્શન હેઠળ ઇન્સપેકટર પી.કે.પટેલ, ડી.જે.સોલંકી, બી.બી.પ્રજાપતિ તથા થાન પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એ.ગઢવી, હસમુખભાઇ, બળવંતસિંહ સહિતનાઓએ રવિવારે રાત્રે દરોડો કર્યો હતો. આ દરોડા દરમિયાન માં પ્રોવીઝન સ્ટોરની સાથે ઘનશ્યામભાઇ લક્ષ્મણદાસ ઠક્કરની દુકાનમાંથી બિલ વગરનો શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં રેશમબ્રાન્ડ સીંગતેલ, કાઠીયાવાડી સીંગતેલ, સારથી સીંગતેલ, પપપ સીંગતેલ અને રજવાડી પામોલીન તેલના ૧૧૨ ડબ્બા કિંમત રૂપિયા ૨,૪૦,૦૦૦ના જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આ સીંગતેલનું ઉત્પાદન ગોંડલની ઓમશીવ ઇન્ડસ્ટ્રીઝ, વાંકાનેરની શિવશકિત ઓઇલ એન્ડ સુગર ઇન્ડસ્ટ્રીઝ અને રાજકોટના દરિયાલાલ ટ્રેડીંગ કંપનીમાં થતુ હોવાનું બહાર આવ્યુ હતુ. આથી પોલીસે માં પ્રોવીઝનના માલીક પંકજ ઉર્ફે ટીકુભાઇ મહેશભાઇ દોશી, ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ ઠકકરને પકડી પૂછપરછ હાથ ધરી છે.

આ ઉપરાંત પોલીસે થાનના શકિત કરિયાણા સ્ટોરમાંથી પણ ૧૩ ડબ્બા જપ્ત કરી માલીક સુરેશભાઇ ઉકાભાઇ મકવાણાની પૂછપરછ હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમે આ તમામ તેલના નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા બાદ તેલમાં કેટલા અંશે ભેળસેળ છે તે બહાર આવશે.

થાન શહેરમાં શંકાસ્પદ અને બિલ વગરના તેલના જથ્થા પર પોલીસ અને ફૂડ વિભાગની ટીમ ત્રાટકતા થાન ઉપરાંત જિલ્લાભરમાં ભેળસેળયુકત તેલનો કાળો કારોબાર કરતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. આ બનાવ અંગે થાન પોલીસ મથકે પી.એસ.આઇ. કે.એ.ગઢવીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સહદેવસિંહ ચલાવી રહ્યા છે.

- ચૂડામાંથી પણ શંકાસ્પદ કપાસિયા તેલના નમૂના લેવાયા

ફૂડ વિભાગના ઇન્સપેકટર ડી.જે.સોલંકીએ ચૂડામાં આવેલ હરીલાલ ખીમચંદભાઇની દુકાનમાં તા. ૨૪ મેના રોજ ચેકિંગ હાથ ધાર્યું હતું. જેમાં દુકાનમાં વેચાતા અમૃત બ્રાન્ડ રીફાઇન્ડ કપાસીયા તેલમાં ભેળસેળ હોવાનું જણાતા આ તેલનો નમૂનો લઇ લેબ ટેસ્ટ માટે મોકલી દેવાયો છે. આ તેલ ગોંડલની હરીક્રીષ્ના ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં બનતુ હોવાનું બહાર આવ્યુ છે.